Geo Gujarat News

આમોદ: નાહિયેર પાસે રિક્ષા-બાઈક વચ્ચે કાળમુખો અકસ્માત, પૌત્રની નજર સામે દાદાનું મોત, 6 મુસાફરો લોહીલુહાણ 

આમોદ તાલુકામાં આવેલા નાહિયેર ગામ પાસે આજે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. નાહિયર નજીક પેટ્રોલ પંપ સામે જ એક પેસેન્જર રિક્ષા અને બાઈક વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓને કારણે એક વયોવૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે,જ્યારે અન્ય 5 થી 6 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાગરા-જંબુસર રૂટ પર દોડતી મુસાફરો ભરેલી રિક્ષા અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. નવા વાડિયા ગામના વતની 70 વર્ષીય જયંતીભાઈ ગોવિંદભાઈ વસાવા તેમના પૌત્ર સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે તેમની ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક સવાર દાદા-પૌત્ર રોડ પર ફંગોળાયા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોને પણ માથા તેમજ હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ માનવતા દાખવી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, ગંભીર રીતે ઘવાયેલા જયંતીભાઈ વસાવાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.હાલમાં અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી સર્જાયો તે જાણવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.