Geo Gujarat News

ભરૂચ: સાર્વત્રિક વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર સાબદું બન્યું, અધિકારીઓને મુખ્ય મથક ઉપર હાજર રહેવા આદેશ

સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ભરૂચ વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે. 

સવારે ૬ થી બપોરના ચાર સુધીમાં ભરૂચ જિલ્લામાં ૧૧૨.૩૩ મી.મી. વરસાદ નોંધાયો: સૌથી વધુ ભરૂચ તાલુકા ખાતે ૧૮૧ મી.મી. વરસાદ નોંધાયો

હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં બુધવારે સવારે ૦૬:૦૦ થી સાંજે :૦૪ કલાક દરમિયાન કુલ ૧૧૨.૩૩ મી.મી વરસાદ નોંધાયો છે. સાથે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૫૬૨.૭૮ મી.મી નોંધાવા પામેલ છે.    તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો, જંબુસર તાલુકા ખાતે ૮૯ મી.મી.(૨૬૯), આમોદ ૬૫ મી.મી(૨૪૩),વાગરા ૧૧૩ મી.મી(૪૪૩)., ભરૂચ ૧૮૧ મી.મી(૬૦૭), ઝઘડીયા ૧૩૩ મી.મી.(૪૮૪), અંકલેશ્વર ૧૩૦ મી.મી.( ૬૮૮), હાંસોટ ૧૨૭ મી.મી,(૭૨૬) વાલીયા ૯૭ મી.મી(૭૧૬), નેત્રંગ ૭૬ મી.મી. (૮૮૯ )વરસાદ નોંધાયો છે. કૌંસમાં આપેલા આંકડા મોસમનો કુલ વરસાદ દર્શાવે છે. અને  નેત્રંગ તાલુકામાં આવેલ બલદેવા ડેમ ૧૦૦ % ભરાતા હેઠવાસના ગામોના નાગરિકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ હતી.

જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા આદેશ

 આગામી સમયમાં પણ વધુ વરસાદ થવાની શક્યતાના પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જિલ્લાના સંબંધિત અધિકારીઓને જણાવ્યું છે. ભરૂચ જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં ભરૂચ શહેરમાં ઈન્દીરા નગરના ૨૩૫, ઝધડીયા તાલુકાના રાજપારડી, કરાડ અને ઝઘડીયા ગામના ૭૦ જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે ભરૂચ શહેરમાં જુદા-  જુદા પાંચ સ્થળોએ ઝાડ પડી જતા ભરૂચ ફાયર ફાયટરની ટીમ દ્નારા ઝાડ હટાવામાં આવ્યા હતા.

પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને અનુરોધ

જિલ્લામાં ભારે વરસાદને પગલે વહિવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટર સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે. નદી કે કાંસ ઉપર પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે. 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *