ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ પર આવેલા વરેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબકતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઇ રહેલું એક ટેન્કર વરેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું. ટેન્કર ખાબકતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતા પાલેજ, નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એન એચ એ આઇ ના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. સદનસીબે કોઇ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભૂખી ખાડીમાં ખાબકેલા ટેન્કરને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વરેડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવે છે. તો એન એચ એ આઇ દ્વારા ભૂખી ખાડી નું નાળુ પહોળું કરવા વાહનચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com