Geo Gujarat News

ભરૂચ: ભાઇ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વની સમગ્ર જિલ્લામાં ભવ્ય ઉજવણી

ભાઇ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વની સમગ્ર ભરૂચ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધનના તહેવાર આગળના અઠવાડિયા જેવા સમયથી જિલ્લાના બજારોમાં અવનવી રાખડીઓના સ્ટોલ મંડાયેલા નજરે પડતા હતા.

જિલ્લામાં અવનવી રાખડીઓનું ધુમ વેચાણ..
જિલ્લામાં અવનવી રાખડીઓનું ધુમ વેચાણ..

ચોમાસુ હોવા છતાં હાલ વરસાદે ઉઘાડ કાઢતા રક્ષાબંધનની ઉજવણીનો મોટો ઉત્સાહ સમગ્ર જિલ્લામાં જોવા મળ્યો હતો. શ્રાવણ માસની ગણના એક પવિત્ર માસ તરીકે થાય છે.શ્રાવણને તહેવારોનો મહિનો પણ કહેવાય છે. રક્ષાબંધનનું પર્વ ભાઇબહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પર્વ હોઇ આ પર્વ ભારે હર્ષોલ્લાસ અને આનંદ સાથે ઉજવાય છે.સામાન્યરીતે વર્ષમાં ભાઇ અને બહેનના પવિત્ર સંબંધો સાથે બે તહેવાર સંકળાયેલા હોય છે, એક ભાઇબીજ અને બીજો રક્ષાબંધન. રક્ષાબંધન શ્રાવણમાસની સુદ પૂનમે ઉજવાય છે . બહેન ભાઈના હાથ પર રક્ષા ( રાખડી ) બાંધીને તેના ભાલ પર તિલક કરે છે. અને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરે છે.

રક્ષારૂપી રાખડીના કવચ દ્વારા બહેન ભાઇની સુખ , સમૃદ્ધિ , પ્રગતિ , સલામતી, દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવીને પ્રાર્થના કરે છે. જ્યારે ભાઇ પણ બહેનની લાજ , સલામતીની જવાબદારી સ્વીકારીને બહેનના રક્ષણ માટે વચનબદ્ધ થાય છે,તેમજ બહેનને પોતાની યથાશક્તિ ભેટ પણ આપે છે. ભાઇ બહેનના પવિત્ર પ્રેમ સાથે જોડાયેલું રક્ષાબંધનનું પર્વ આસ્થા અને વિશ્વાસનું પ્રતીક ગણાય છે. રક્ષાબંધન સમયે દરેક પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. રક્ષાબંધનના આધ્યાત્મિક મહત્વની વાત કરીએ તો આ દિવસે સાગરખેડુઓ દરિયાની પૂજા કરતા હોઇ આ પર્વ નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે.

બાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા..
બાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે નવા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યા..

બ્રાહ્મણો આ દિવસે જનોઈ બદલે છે તેથી તેને બળેવ પણ કહે છે. બંગાળ અને ઓરિસ્સામાં રક્ષાબંધનનું પર્વ ઝૂલણ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્ર અને કેરળ માં આ દિવસ ને નરલી પૂર્ણિમા કહે છે.ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઘઉં ના બીજ વાવવામાં આવે છે તેથી તેને ગજરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે .વળી આ દિવસે બ્રાહ્મણો તેમના યજમાનને અને ગુરુ તેમના શિષ્યને રાખડી બાંધી શુભેચ્છા આપે છે. પૌરાણિક કથા અનુસાર કૂર રાજા શિશુપાલે ભરી રાજ્યસભામાં ભગવાન શ્રી કૃષ્ણ ની નિંદા કરી અને અનેક ચેતવણી આપવા છતાં તેના વ્યવહાર માં કોઈ સુધારો થયો નહીં ત્યારે શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર નો ઉપયોગ તેના પર કર્યો,આ સમયે શ્રી કૃષ્ણની આંગળીમાં ઇજા થઈ હતી,ત્યારે દ્રૌપદીએ તરતજ પોતાની સાડીનો છેડો ફાડી અને ભગવાનના એ ઘા પર બાંધ્યો. ભગવાને દ્રૌપદીને તેની આ મદદના બદલામાં ભવિષ્યમાં તેને જરૂર પડે ત્યારે મદદ કરવાનું અભય વચન આપેલ, અને રાજ્યસભામાં દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા અને બહેનનું રક્ષણ કર્યું હતું.

આ પ્રસંગથી જ રક્ષાબંધનનો આરંભ થયો એમ કહેવાય છે. બીજા એક બનાવમાં દેવતાઓ અને રાક્ષસો વચ્ચે થયેલા યુદ્ધમાં દેવરાજ ઇન્દ્ર પોતાનું રાજ્ય હારી ગયા. આ રાજ્ય પરત મેળવવા ઇચ્છતા ઇન્દ્રને ઈન્દ્રાણીએ પૂજા માંથી નીકળેલ સૂત્ર હાથ પર બાંધ્યું હતું તેથી ઇન્દ્રને વિજય મળ્યો હતો. માતા કુંતાએ અભિમન્યુને અમર રાખડી બાંધીને કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ જીતવા મોકલ્યો હતો. મેવાડની મહારાણીએ હુમાયુંને રક્ષા મોકલી ભાઈ બનાવેલ. રાજા પોરસ અને મહાન યોદ્ધા સિકંદરની વચ્ચે યુદ્ધ થયું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથ પર રાખડી બાંધી હતી.આમ રક્ષાબંધન સાથે ભવ્ય પૌરાણિક ઇતિહાસ સંકળાયેલો જોવા મળે છે.

રક્ષા ( રાખડી ) એ સૂત્રનો ધાગો , તાંતણો કે દોરો માત્ર નથી પણ રક્ષાના પ્રત્યેક દોરા કે તંતુ માં ભાઈ બહેન નો નિસ્વાર્થ અતૂટ પવિત્ર પ્રેમ રહેલો છે તેમજ સ્નેહ નું રક્ષણ કરતું પવિત્ર બંધન અને અભય વચન છે . કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા જેલમાં કેદીઓને પણ રક્ષા બાંધવામાં આવે છે અને તેમના જીવન પરિવર્તનની શુભેચ્છા પાઠવવામાં આવે છે. હોસ્પિટલના દર્દીઓને રક્ષા બંધાય છે અને તેમના સુખાકારી અને સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપવામાં આવે છે . રક્ષાબંધનનો તહેવાર એ પરિવર્તનનું પર્વ છે.સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિએ જોવાનું શીખવે છે. પર સ્ત્રી માતા અને બહેન સમાન છે, તેનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે.

સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી . નારી એ ભોગ વિલાસનું સાધન નહીં પણ માતા લક્ષ્મી અને દુર્ગા નું સ્વરૂપ છે તેમ માની વિશાળ ભાવના રાખી તેનો આદર , સત્કાર અને સન્માન કરવું એવી ભાવના જ રક્ષાબંધનના પવિત્ર પર્વની સાચી ઉજવણી છે.

ભરૂચ જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે પવિત્ર પર્વ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી..

ભાઈની સુરક્ષા માટે બહેને ભાઈને રાખડી બાંધી હતી,તો ભાઈએ પણ બહેનને ભેટ આપીને બહેનની રક્ષાનું વચન આપ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *