તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત સંબંધિત લેવાયેલ એક નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આજે તા.૨૧ મીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકામાં બંધના એલાનને નહિવત પ્રતિસાદ સાંપડ્યો હતો.તાલુકાના ત્રણ મહત્વના વેપારી મથકો પૈકી ફક્ત રાજપારડીના બજારોએ સ્વૈચ્છીક રીતે સજજડ બંધ પાળીને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું, ત્યારે તાલુકાના ઉમલ્લા તેમજ ઝઘડિયા માં ભારત બંધના એલાનને પ્રતિસાદ મળ્યો ન હતો.

SC અને STમાં ક્રીમી લેયર માટે અનામતને લઈને આજે એટલે કે ૨૧ ઓગસ્ટના રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ક્રીમી લેયર માટે આરક્ષણ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ આ બંધનું એલાન આપ્યું હતું, જેને લઇને રાજપારડી નગરના ચારરસ્તા વિસ્તાર સહિતના તમામ દુકાનદારોએ પોતાના ધંધા બંધ રાખીને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં SC-ST અનામતમાં ક્રીમી લેયરને લઈને નિર્ણય આપ્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે તમામ SC અને ST જાતિઓ અને જનજાતિઓ સમાન વર્ગ નથી. કેટલીક જાતિઓ વધુ પછાત હોઈ શકે છે. સુપ્રીમના આ નિર્ણયના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠનો દ્વારા આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજપારડી નગરના વેપારીઓએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરીને બંધ પાળતા તાલુકાના આદિવાસી અગ્રણીઓએ રાજપારડીના વેપારી વર્ગનો આભાર માન્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com