Geo Gujarat News

ભરૂચ: શ્રાવણ માસના અંતિમ સોમવાર અને અમાસ નિમિત્તે શિવલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવા શ્રાવણ માસ આજે પૂર્ણ થયો થઈ રહ્યો છે.આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે. એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ પણ આજે સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ભક્તો બીલીપત્ર, જળ અને દુધનો અભિષેક કરી રહ્યાં છે. ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે જઈ રહ્યા હતા.

સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ. સોમવતી અમાસનું મહત્ત્વ એટલા માટે વિશેષ છે કારણ કે તે સંતતિ અને સંપત્તિ અપાવનારી પુણ્ય ફળદાયી તિથિ કહેવાય છે. આ દિવસે મહાદેવજી, પિતૃ અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ માનાય છે. બીજી રીતે એમ કહેવામાં આવે છે કે આ દિવસે હર, હરિ અને પિતૃની ઉપાસનાનો ત્રિવેણીનો સંગમ થાય છે.ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટેનો પ્રયત્ન કરવાથી સુખ- શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે સોમવતી અમાસ વર્ષમાં એકાદ-બે વખત જ આવતી હોય છે. સામાન્ય રીતે સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ થાય છે અને મૌની અમાસનો પણ સંયોગ પણ છે. જે એક વિશિષ્ટ સંયોગ કહી શકાય. આથી આ દિવસ શિવ અને પિતૃ પૂજન માટે પણ શ્રેષ્ઠ ગણાય છે.

શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો. ભગવાન શિવ ચાતુર્માસ દરમ્યાન પૃથ્વી લોકમાં વાસ કરે છે અને એટલે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે એમાંય આજે શ્રાવણ માસની સોમવતી અમાવસ્યા, શિવ યોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથે પિતૃઓની પરમ કૃપા મેળવવા માટે પણ શ્રેષ્ઠ છે અમાવસ્યાના દેવ પિતૃ દેવ છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃ જ છે અને વિશેષ સોમવાર અને શિવ યોગ એટલે અદભુત સંયોગ છે.

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઇ હતી અને જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો પણ શ્રાવણ મહિનાના સોમવારે જ આવ્યા હતા તો શ્રાવણ મહિનાની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઇ હતી. ૭૨ વર્ષના યોગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ ચાર ગણો જોવા મળી રહ્યો હતો.

આજે વહેલી સવારથી જ ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા, રૂદ્રાભિષેક, દીપમાળા, ભકિત સંધ્યા સાથે ભાવિકો શિવભકિતમાં લીન થયા હતા. આજે અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસ હોવાથી પણ ઘણું મહત્વ વધી ગયું છે. જપ, તપ, અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસની આજે પૂર્ણાહૂતિ થઈ છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે. સોમવતી અમાસના વિશેષ મહાત્મ્યને કારણે આજે વહેલી સવારથી જ ભરૂચના વિવિઘ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે.ભરૂચના વિવિધ શિવમંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક નિલકંઠેશ્વર મહાદેવના મંદિરે અને અંકલેશ્વરની જલધારા ચોકડી ખાતે આવેલ પશુપતિનાથ મહાદેવના મંદિરે આજે વહેલી સવારથી જ દર્શન માટે શિવભક્તોની લાંબી લાઈન લાગી હતી. જેમાં ભક્તો હર-હર મહાદેવના નાદ સાથે શિવજીને બીલીપત્ર, જળ અને દુધનો અભિષેક કરતા નજરે પડ્યા હતા.

ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે યોજાયેલ “શિવ મહોત્સવ” પ્રસંગે ૧૦૮ “સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્ર” નું વિધિ-વિધાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા પાંચ દિવસમાં નર્મદા નદીની પવિત્ર માટીમાંથી નિર્માણ કરવામાં આવેલ સવા લાખ ચિંતામણી પાર્થિવેશ્વર શિવલિંગનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *