Geo Gujarat News

વાગરા: ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા.?, શું શેષ એન્વાયરો કંપનીએ પુરાવાનો નાશ કર્યો બાદમાં તપાસ અર્થે પહોંચી જીપીસીબી.?

સાયખા જીઆઈડીસીને જાણે પ્રદુષણ ફેલાવવાનો પરવાનો આપી દેવાયો હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે,શેષ એન્વાયરોનાં માલિકો દ્વારા કેમીકલ યુક્ત પાણી જાહેરમાં છોડાય રહ્યુ છે.

ગતમોડી રાત્રે કંપનીમાંથી અંધારાનો લાભ લઈ કેમિકલયુક્ત પ્રવાહી બેફામ છોડવામાં આવતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે . આ અંગેના વિડિયો પુરાવા સ્થાનિક લોકો દ્વારા એકત્રિત કરાયા છે. કંપનીના બેજવાબદારી ભર્યા આ વર્તનને લઈને જીપીસીબીને ફરીયાદ કરવામાં આવી ત્યારે જીપીસીબી દ્વારા ઘટનાના 12 કલાક બાદ સ્થળ મુલાકાત લેવાય ત્યાર સુધીમાં કંપનીએ પુરાવાનો નાશ કર્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાય રહ્યું છે. જાણે જીપીસીબી કચેરી દ્વારા કંપનીને ખુલ્લો સમય આપવામાં આવ્યો હોય તેવા આક્ષેપ કરાય રહ્યા છે. કંપની દ્વારા તેમના કાળા કરતૂતોનો નાશ કરવામાં આવ્યો ત્યારબાદ જીપીસીબીના અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા. આ તમામ બાબતો એ તરફ ઈશારો કરી રહી છે કે, પ્રદુષણ ઓકતી શેષ એન્વાયરો કંપની સામે જીપીસીબી એકશન લેવા માંગતી નથી અને જીપીસીબી શેષ એન્વાયરોના માલિકોને છાવરી રહી હોય તેવા આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. કંપની સાથેના જીપીસીબી સાથેના સંબંધો અંગે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

શેષ એન્વાયરો કંપની દ્વારા વારંવાર પ્રદુષિત પાણી જાહેરમાં છોડાઈ રહ્યુ છે. આ અંગે જાગૃત નાગરીકોએ વારંવાર જીપીસીબીને ફરિયાદો કરી છે. તેમ છતાં જીપીસીબી દ્વારા સમયસર તપાસ નહિ કરવામાં આવતી હોવાની બુમો ઉઠવા પામી છે. ગઈ કાલે રાત્રે જ શેષ એન્વાયરો કંપની દ્વારા રાતના અંધારાનો લાભ લઇને કેમિકલયુક્ત કાળા કલરનું પાણી જાહેરમાં કાઢવામાં આવ્યુ હતું. કેટલાક જાગૃત નાગરિકોએ કંપનીનું આ કૃત્ય પકડી લેતા ચકચાર મચી ગઈ હતી.

શું જીપીસીબીના અધિકારીઓ કોઇના દબાણમાં શેષ એન્વાયરોને છાવરી રહ્યા છે? : આ અંગે જીપીસીબીને જાણ કરતાં અધિકારી વાઘમશીએ બાય બાય ચારણી કરી હતી. કર્મચારીઓ બિમાર હોવાનું કહી તેમણે સ્થળ પર આવવાનો ઈન્કાર કર્યો હતો અને પછી તપાસ કરીશું તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. બીજા દિવસે જ્યારે જીપીસીબીનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કંપનીના સંચાલકો દ્વારા તમામ પ્રકારનાં પુરવાનો નાશ કરી દેવાયો હતો. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શેષ એન્વાયરોએ તેમની કરતૂત મીટાવી દીધા બાદ જીપીસીબીને તેમની કંપની પર આવવા લીલીઝંડી અપાઈ હશે ? જીપીસીબી જો તેમની અનુકુળતાએ કામ કરશે અને તપાસ કરશે તો પ્રદુષણ માફિયાઓ પર અંકુશ કઈ રીતે આવશે ? ભુતકાળમાં પણ શેષ એન્વાયરો કંપની સામે થયેલી પ્રદુષણની ફરીયાદોમાં જીપીસીબી તંત્ર કંપની માલિકો સામે નતમસ્તક થઈ ગયા હોય તેમ કોઈ જ કાર્યવાહી કરી નથી, તેવામાં જીપીસીબીને શેષ એન્વાયરો સામે પગલાં ભરવામાં કયુ પરિબળ રોકી રહ્યુ છે તે હવે તપાસનો વિષય છે. બાકી જીપીસીબીનું આ પ્રકારનું વલણ પ્રદુષણ માફિયાઓ માટે પ્રોત્સાહક રૂપ છે તેમાં કોઈ બે મત નથી તેવા પણ આક્ષેપ લોકમુખે ઉઠી રહ્યા છે.

શેષ એન્વાયરો આ રીતે ફેલાવે છે પ્રદુષણ.? : શેષ એન્વાયરો કંપની ઘન કચરો કેમિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ કરી સ્ટોરેજ કરવાની કામગીરી કરે છે. વરસાદી પાણી આ કેમિકલમાં મિક્સ થઈ જાય છે. કંપનીની પ્રીમાઈસીસમાં વધારે માત્રામાં સ્ટોરેજ થયેલું હોય છે. આ સ્ટોરેજ થયેલું કેમિકલ યુક્ત પાણી રાત્રિના સમયે અંધારાનો લાભ લઇ વાગરા ભેરસમ રોડ પાસે કંપનીના પાછળની દિવાલ બાજુમાં આવેલા પ્લોટમાં માટીના ઢગલાની વચ્ચે ગટર બનાવીને પંપ દ્વારા નિકાલ કરામાં આવે છે. એક જાગૃત નાગરિક દ્વારા કંપનીના આ કૃત્યને કેમેરામાં કંડારી લેવાતા કંપનીના આ ગુનાહિત ગણાતા કૃત્યનો પર્દાફાસ થયો હતો.

જીપીસીબીનાં કર્મચારીઓ નહીં જીપીસીબી જ બિમાર છે.! : કેમીકલ યુક્ત પાણી શેષ એન્વાયરો દ્નારા ગત ગુરુવારની રાત્રીએ છોડાયુ હતું. સ્થાનિક જાગૃત લોકોએ કંપનીની આ કરતૂતને રંગે હાથે ઝડપી પાડી હતી. જ્યારે જીપીસીબીના અધિકારીને આ બાબતે ટેલિફોનિક જાણ કરવામાં આવી તો, તેમણે એવો જવાબ આપ્યો હતો કે, જીપીસીબી ના બે કર્મચારીઓ બિમાર છે. અને સ્ટાફની કમી છે. પરંતુ જે રીતે જીપીસીબી પર્યાવરણના દુશમનોને છાવરી રહી છે એવુ લાગી રહ્યુ છે. માત્ર બે કર્મચારીઓ જ નહીં આખે આખી જીપીસીબી જ હાલમાં બિમાર છે. તેવી લોકમુખે ચર્ચાઓ પણ વહેતી થઈ છે. નોંધનીય બાબત છે, કે ભરુચ જીલ્લામાં ધમધમતી અનેક GIDC માં સેકંડો કેમિકલ કંપનીઓ કાર્યરત છે. ત્યારે પર્યાવરણને નુકશાન પહોંચાડતા આવા બેફામ ઉધ્યોગકારો સામે સમયસર દાખલારૂપી કાર્યવાહી કરવા માટે GPCB હમેશા તત્પર રહે તે જરૂરી છે.

કંપનીની આજુબાજુની જગ્યાના માટીના નમુના લેવાય એ જરૂરી : કંપનીની આજુબાજુ આવેલ જગ્યાએથી માટીના નમુના લઇને ન્યાયિક તપાસ થાયતો ઘણીબધી ગેર રીતિઓ સામે આવવાની સંભાવના છે.વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસીમાં આવેલ શેસ એન્વાયરો કંપની ઉપરાંત પ્રદુષણ ફેલાવતી અન્ય કંપનીઓને લઇને વાગરાના ભેરસમ ,જુનેદ, વિલાયત જેવા ગામોના લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થવા ઉપરાંત અન્ય જીવ સૃષ્ટિ માટે પણ આ બાબત ભયંકર થી અતિ ભયંકર ખતરા રૂપ ગણાય છે. કેમિકલયુક્ત પાણીથી ખેતીની જમીનો, પીવાના પાણી, પશુઓ, જળચર જીવો તેમજ માનવ સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે તેવી દહેશત હોઇ કંપનીઓની આ ગુનાહિત પ્રવૃત્તિ બંધ થવી જોઇએ.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *