અંકલેશ્વરમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓ ધમધમતી હોવા છતાં ગામડાઓના લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર તો નિષ્ફળ રહયું છે પણ કંપનીઓ પણ સીએસઆર ફંડ હેઠળ સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. કેટલાય ગામોમાં હવે એવી પરિસ્થિતિ છે કે, મોતનો મલાજો પણ જળવાતો નથી. સેંગપુર ગામમાં રહેતાં બબીબેન વસાવાનું મોત થયું હતું પણ તેમણે કદી વિચાર્યું પણ નહિ હોય કે તેમની અંતિમયાત્રા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચેથી કાઢવી પડશે.

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમરાવતી નદી હાલ બે કાંઠે વહી છે અને આદિવાસી સમાજનું સ્મશાન નદીના સામે કિનારે આવેલું છે. ચોમાસા સિવાય નદીમાં પાણી નહિવત હોવાથી લોકોને કોઇ સમસ્યા નડતી નથી. સ્થાનિકો વર્ષોથી નદી પર નાનો કોઝવે બનાવી આપવાની માગણી કરી રહયાં છે પણ આજદિન સુધી તેમની સમસ્યાનો હલ આવ્યો નથી. નદીના વહેણ વચ્ચે ડાઘુઓ નનામી ઉપાડી કેડ સમા પાણીમાંથી નદી પાર કરી સ્મશાને પહોંચ્યાં હતાં.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com