Geo Gujarat News

વાગરા: પણિયાદરા નજીક ટેન્કરોમાંથી થતું ગેસ રિફલીંગનું કૌભાંડ ઝડપાયું, 3.33 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લાના ઔધોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસર અને જોખમી ગણાતી ગેસ રિફલીંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે. આવીજ એક ઘટનામાં દહેજ પોલીસે પણિયાદરા ગામ નજીક ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી લઇને કુલ રૂપિયા ૩.૩૩ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

મળતી વિગતો મુજબ દહેજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પણિયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક ગેસના પાંચ ટેન્કરો તેમજ એક પીકઅપ ગાડી પડેલ હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઇને જોતા કેટલાક ઇસમો કોઇ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું. પોલીસને જોઇને ત્યાં હાજર ઇસમો નાશવા લાગતા પોલીસે પાછળ દોડીને બે ઇસમોને પકડી લીધા હતા. અને અન્ય દશેક જેટલા ઇસમો અંધારામાં નાશી ગયા હતા.ઘટના સ્થળે ગેસના પાંચ ટેન્કરો અને એક પીકઅપ ગાડી પડેલ હોવાનું જણાયું હતું,આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના ત્રણ વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો જણાયો હતો. કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે આ વાલ્વ બંધ કરવો જરૂરી હોઇ પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.પકડાયેલ ઇસમોના નામ ધનારામ ભીખારામ લુહાર હાલ રહે.મહાલક્ષ્મી હોટલ ગામ પણિયાદરા તા.વાગરા જિ.ભરૂચ અને મુળ રહે.રાજસ્થાન તેમજ બીજા ઇસમનું નામ મુસ્તાકઅલી મહેબુબઅલી રહે.મહારાષ્ટ્રના હોવાનું જણાયું હતું.

છેલ્લા એક મહિનાથી ગેસ રિફલીંગ પ્રવૃત્તિ ચાલતી હોવાનું બહાર આવ્યું :- પોલીસ પુછપરછ દરમિયાન ધનારામ લુહારે જણાવેલ કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે.અને હોટલમાં ટેન્કર ડ્રાઇવરો ટેન્કરો લઇને જમવા આવતા હોય છે. એક મહિના અગાઉ રાકેશભાઇ નામનો ઇસમ અને એક અજાણ્યો ઇસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના રૂપિયા ૫૦ આપીશું. ત્યારબાદ છેલ્લા એક મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી. આજરોજ પાંચ ટેન્કરોમાંથી કુલ ૩૬ બોટલો ભર્યા હતા અને ૩૭ મી બોટલ ભરતા હતા ત્યારે પોલીસની રેઇડ પડી હોવાનું જણાવ્યું હતું.પોલીસ દ્વારા ઘટના સ્થળેથી પકડાયેલ બે ઇસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઇસમ ટેન્કર ડ્રાઇવર હોવાનું બહાર આવ્યું હતું. આ લોકો દરરોજ ૩૦ થી ૩૫ જેટલા બોટલો ભરતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જણાયું હતું.

પોલીસે કુલ રૂપિયા ૩.૩૩ કરોડનો મુદ્દામાલ કબજે લીધો ;- ટેન્કરોમાંથી વાલ્વમાં લોખંડનો પાઇપ ફીટ કરીને બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી હોવાનું જાણવા છતાં આ લોકો બોટલોમાં ગેસ ભરતા હોવાનું બહાર આવતા પોલીસે ઘટના સ્થળેથી ગેસના ટેન્કરો કુલ કિંમત રૂપિયા ૩.૨૭ કરોડ ઉપરાંત ગેસ ભરેલ બોટલો, પીક અપ ગાડી,ગેસના ખાલી બોટલો સહિત કુલ રૂપિયા ૩.૩૩ કરોડનો મુદ્દામાલ કબજે લઇને ઘટના સ્થળેથી ઝડપાયેલ ઉપરોક્ત બે ઇસમો તેમજ નાશી ગયેલ અન્ય ટેન્કર ડ્રાઇવરો સહિતના અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *