Geo Gujarat News

ભરૂચ: દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો, એક વ્યક્તિનું મોત, અન્ય 7 ઇજાગ્રસ્ત

ભાવનગરથી સુરત સામાજીક કામ અર્થે કાર લઈને નીકળેલા પરિવારજનોને ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ટ્રકની ઓવરટેક કરવા જતાં અકસ્માત નડયો હતો. જેમાં કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોચતા સારવાર અપાઈ હતી. આ મામલે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાવનગરના પ્રહલાદ ચોકમાં રહેતા ભાર્ગવ માવજી ભાઈ ઠંઠ ( પટેલ)ના ગામના સંબંધી વિઠ્ઠલ ગીગાભાઈ કોરડીયાને સામાજીક કામ અર્થે સુરત જવાનું હોય તેઓની સાથે મોહન નાગજીભાઈ ઠેઠ, હરીશ પ્રેમજીભાઈ ઠંઠ,દિનેશ પિકભાઈ ઠંઠ તથા સવજી ઠાકરસીભાઈ ઠંઠ બધા મળીને તેઓની આર્ટિકા કાર લઈને સુરત જવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓ 19 મી રોજ રાત્રીના ગાડીના ડ્રાઈવર ઇમ્તિયાઝ ઉસ્માન મહંમદ સમા સાથે સુરત જવા માટે નીકળ્યા હતા. કારમાં આગળ દિનેશ ઠંઠ તથા વચ્ચેની સીટમાં ભાર્ગવ ઠંઠ,હરેશ ઠંઠ તથા વિઠ્ઠલ કોરડીયા અને પાછળની સીટમાં સવજી ઠંઠ તથા મોહન ઠંઠ બેઠા હતા. આજે વહેલી સવારે વડોદરાથી દિલ્હી-મુંબઈના એક્સપ્રેસ હાઇવે ઉપર સુરત તરફ જઈ રહ્યા હતા.

આ સમયે તે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ટોલનાકાથી ભરૂચ તરફ થોડેક આગળ કાર ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી આગળ ચાલતી ટ્રકની ઓવરટેક કરવા જતાં આગળ ચાલતી ટ્રકના ડ્રાઈવર સાઈડની પાછળ ટાયરના ભાગે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ તમામને સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં અમોદના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. જેમાં હાજર તબીબે દિનેશ ધિરુભાઈ ઠંઠને માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે મરણ જાહેર કર્યો હતો. જ્યારે અન્યની સારવાર કરાઈ હતી. આ અકસ્માતમાં આમોદ પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *