વાગરા પોલીસે રાત્રી પેટ્રોલીંગમાં દરમિયાન એક કાર ચાલકને ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો.તેમ છતાંય કાર ચાલકે ગાડી ઉભી નહિ રાખી ગાડી ભગાડી ગયો હતો.જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલ્ટી જતાં અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો.પોલીસે કાર ચાલક સાથે રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી દિવસોમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુર ચાવડાએ દરેક પોલીસ મથકોમાં સુચનાઓ આપી હતી.જેને અનુસંધાને ગતરોજ રાત્રીના વાગરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજા અને ભોપાભાઈ, રણજીત સિંહ સહિતના પોલીસ માણસોની ટીમ સાયખા GIDC માં રાત્રીના પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન ગ્લોબેલા ચોકડી તરફથી એક આર્ટિગા કાર આવતા તેના ચાલકને ઈશારો કરીને ગાડી ઉભી રાખવા જણાવ્યું હતું,તેમ છતાંય કાર ચાલકે કાર ઉભી નહિ રાખી પુરઝડપે ભેરસમ ગામ તરફ ભગાવી ગયો હતો.જેથી પોલીસને શંકા જતાં ખાનગી ગાડીમાં ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો હતો.
આ સમયે અર્ટિગા કારના ચાલકે ભેરસમ ગામની નવી વસાહત પાસે આવેલા રોડના વળાંક પાસે કાર પલ્ટી ખાઈ જતા રોડની બાજુના ખેતરમા ઉંધી પડી ગઈ હતી. કાર પલ્ટી ખાતા જ અંદર ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર ફેલાઈ ગયો હતો.પોલીસે કારના ચાલકનું નામ ઠામ પૂછતાં આમોદ તાલુકાના આછોદ ગામનો મુહંમદ સુહેલ ઉર્ફે છોટુ હારૂન પટેલ હોવાનું જણાવ્યું હતું.વાગરા પોલીસે સ્થળ પરથી 750 મિલીની 51 બોટલો,180 મિલીની 663 બોટલો મળીને કુલ 714 દારૂનો જથ્થો કિંમત રૂ.1,29,642 અને મોબાઈલ S 24 અલ્ટ્રા 75,000 અને કાર રૂ.10, 00, 000 લાખ મળીને કુલ રૂ.12,04,642 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ દારૂના મુદ્દામાલ અંગે ચાલક મહુમદ સુલેહ ઉર્ફે છોટુ હારૂન પટેલને પૂછતાં તેણે જણાવ્યું હતું.કે,આ કાર તેને ભરેસમ પેટ્રોલ પંપ પાસે આછોદ ગામનો ઈર્શાદ મુન્શી, વ્હાલું ગામનો અજીમ બગ્ગા અને ચાંચવેલ ગામનો ફેઝલ મક્કાએ આપી અને જણાવ્યું હતું કે, કારને વાગરા GIDC ની ગ્લોબેલા ચોકડી પર તેમના માણસોને આપવાનું જણાવ્યું હતું.આ મામલે વાગરા પોલીસે પ્રોહીબિશન એકટનો ગુનો નોંધીને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.