વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસીની કંપનીમાં પોલીસે ચેકિંગ કરતાં કામદારોની નોંધણી ન કરી હોવાનું જણાતાં કંપનીના જવાબદાર વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં અગાઉ ચોરી, ધાડ, લૂંટ જેવી ઘટનાઓ બની હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કામદારોના પોલીસ વેરિફિકેશ બાબતનું ખાસ જાહેરનામું બહાર પાડ્યુંછે. જેના સંદર્ભમાં વાગરા પોલીસની ટીમ દ્વારા સાયખા જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં ચેકિંગ શરૂ કર્યું છે.
ત્યારે સાયખા જીઆઇડીસીમાં અવોલી મેન્ગ્રીજેન્ટ ફાર્મા કેમ કંપનીમાં ટીમે ચેકિંગ કરતાં ત્યાં ફેબ્રિકેશન તેમજ કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં કામ કરતાં કામદારો પૈકીના એકને બોલાવી પુછપરછ કરતાં તે રાજસ્થાનનો હોવાનું તેમજ ત્યાં કંપનીમાં પતરા નાંખવાનું કામ કરતો હોવાનું કબુલ્યું હતું. તેની સાથેના કામદારો સાથે તે એક મહિનાથી ત્યાં કામ કરી રહ્યાં હતાં.જેથી તેઓએ કંપનીના જવાબદાર વ્યક્તિની પુછપરછ કરતાં તેનું નામ સમીર રાવલ હોવાનું જણાયું હતું. ટીમે તેની પુછપરછ કરતાં ત્યાં 10 પરપ્રાંતિયો કામ કરતાં હોવાનું તેમજ તેઓના આઇડી પ્રુફ તેમજ ફોટા નિયત ફોર્મ સાથે સ્થાનિક પોલીસ મથકે નોંધણી કરાવી ન હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે કંપનીના જવાબદાર વ્યક્તિ સમીર રાવલ વિરૂદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નઈમ દિવાન, વાગરા