મેળામાં નિયત ઘાટના હદની બહાર સ્નાન કરવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ : ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૧/૨૦૨૪ દરમ્યાન પ્રતિ વર્ષની માફક જાહેર મેળો ભરાશે. આ મેળામાં આજુબાજુનાં ગામોમાંથી તેમજ સમગ્ર ગુજરાત રાજયમાંથી તથા અન્ય રાજયોમાંથી પણ ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થાય છે તથા શુકલતીર્થ મુકામે આવેલ નર્મદા નદીના ઘાટ પર સ્નાન કરે છે. નર્મદા નદીના પાણી ઉડા હોવાથી તેમજ નદીમાં ખાડા પડેલ હોવાથી અકસ્માત થવાની શકયતા છે. જેથી નર્મદા નદીના અમુક વિસ્તારમાં સ્નાન કરવા પર નિયમન કરવાનું આવશ્યક જણાય છે. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(એમ) અન્વયે મળેલ અધિકારની રૂ એ ફરમાવ્યું છે, કે, તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૧/૨૦૨૪ સુધીના (બંને દિવસો સહિત) સમયમાં શુકલતીર્થ, કબીરવડ તથા મઢી મુકામેના નર્મદા નદીના ઘાટથી ગ્રામ પંચાયત તથા પોલીસ ખાતા તરફથી નકકી થયેલ હદની અંદર જ લોકોએ સ્નાન કરવું તથા નિયત ઘાટની હદની બહાર સ્નાન કરવા પર પ્રતિબંધ મુકવા આદેશ કરાયો છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉકત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે.
મેળાના દિવસો દરમ્યાન શુકલતીર્થ ગ્રામ પંચાયતની હદમાં કોઈ પણ વ્યકિતએ કોઈ પણ પ્રકારનું દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ : ભરૂચ તાલુકાનાં મોજે.શુકલતીર્થ ગામે તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા.૧૮/૧૧/૨૦૨૪ દરમ્યાન પ્રતિ વર્ષની કાર્તિકી પૂનમનો જાહેર મેળો ભરાય છે. આ મેળામાં ઘણી મોટી સંખ્યામાં લોકો એકત્રીત થશે અને ઘાસ, કામળા, વાંસ વિગેરેથી માંડવા તૈયાર કરવામાં આવશે. જેથી ઉપરોકત દિવસો દરમ્યાન શુકલતીર્થ ગામની હદમાં દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાતા મેળાના દિવસો દરમ્યાન શુકલતીર્થ ગ્રામ પંચાયતની હદમાં કોઈ પણ પ્રકારનું દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.
મેળામાં હાથ લારીઓમાં માલ સામાન રાખી વેપાર કરનાર વેપારીઓ ઉપર નિયંત્રણ મુકવા અંગે જાહેરનામું : ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે કાર્તિકી પુનમનો મેળો તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૧/૨૦૨૪ દરમ્યાન ભરાશે. આ મેળામાં આજુબાજુનાં મોટા પ્રમાણમાં સમુદાય એકત્રીત થશે. જેથી મેળામાં હાથ લારીઓમાં માલ સામાન રાખી વેપાર કરનાર વેપારીઓ ઉપર નિયંત્રણ મુકવા માટે જે જગ્યાએ લારીઓ ઊભી રાખવા નકકી કરેલ હોય તે જગ્યા સિવાય અન્ય જગ્યાએ લારીઓ ઉભી રાખી વેપાર કરવા પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાતા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ એન.આર.ધાધલ સને-૧૯૫૧ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ અધિકારની રૂએ, તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા.૧૮/૧૧/૨૦૨૪ સુધીના સમય માટે (બંને દિવસો સહિત) શુકલતીર્થ ગામનાં મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથ લારીઓ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવી નહિ, પરંતુ, પોલીસ ખાતા અથવા ગ્રામ પંચાયત તરફથી નિયત કરેલ જગ્યાએ જ ઉભી રાખવી. આ હુકમનું ઉલ્લંઘન કરનાર ઉક્ત કાયદાની કલમ-૧૩૧ પ્રમાણે સજા અને દંડને પાત્ર થશે.
૧૨ નવેમ્બર થી ૧૮ નવેમ્બર ૨૦૨૪ સુધી ભરૂચ-ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં વાહનો
માટે ટ્રાફીક નિયમનનાં હેતુસર વન-વે જાહેર કરાયો : ભરૂચ જીલ્લામાં આવેલ મોજે. શુકલતીર્થ ખાતે શુકલેશ્વર મહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળા તા.૧૨/૧૧/૨૦૨૪ થી તા.૧૮/૧૧/૨૦૨૪ દરમ્યાન ભરાનાર છે. આ સમય દરમ્યાન વધુમાં વધુ ટ્રાફીક ભરૂચ-ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ રોડ ઉપર રહે છે અને સામાન્ય દિવસોમાં પણ જાહેર જનતા આ જ રૂટનો ઉપયોગ અવર જવર માટે કરતા હોય છે. આ પરિસ્થિતિમાં ઘણી વખત ને.હા.નં.૮ ઉપર ટ્રાફીક જામ થાય છે. આ પરિસ્થિતિનાં નિવારણ માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ, ભરૂચને સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(બી) અન્વયે મને મળેલ સત્તાની રૂ એ હુકમ કર્યો છે. કે, ભરૂચ-ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થ સુધી જતો રસ્તો તમામ પ્રકારનાં વાહનો માટે જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર તા. ૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૮/૧૧/૨૦૨૪ સુધી વન-વે રહેશે. તથા સદર માર્ગ ઉપરથી ફકત શુકલતીર્થ સુધી તમામ પ્રકારનાં વાહનો જઈ શકશે. પરંતુ પરત આ માર્ગેથી આવી શકશે નહિ. આ હુકમ પોલીસ કે બીજા સરકારી અધિકારી કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈને ફરતા હશે તેઓને બંધનકર્તા રહેશે નહિ.
વૈકલ્પિક માર્ગ – શુકલતીર્થથી મંગલેશ્વર-નિકોરા-ઝનોર થી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં. ૪૮ ઉપર થઈને પરત આવી શકાશે : ઉપરોકત માર્ગ વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુકલતીર્થ આવનાર વાહનો શુકલતીર્થથી મંગલેશ્વર-નિકોરા-ઝનોરથી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં. ૪૮ ઉપર થઈને પરત આવી શકાશે તેમજ આ રસ્તાનો ઉપયોગ અવર જવર માટે થઈ શકશે. તેમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી અખબારી યાદી માં જણાવામાં આવ્યું હતુ. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
One Comment
મોજે ગામ શુકલતીર્થ, તા.જી.ભરૂચ માં યોજાનાર તા. ૧૪ -૧૧-૨૦૨૪ થી ૧૬-૧૧-૨૦૨૪ માં ભાતીગળ કાર્તિકીપુનમનામેળામાંદરમિયાન મનોરંજન રાઈડસ્ ઝોનમાં ચલાવાતા તમામ ચકડોળ માટે Gujarat Amusement Rides and Gaming Zone Activities (Safety) Rules ૨૦૨૪ મુજબ યાત્રિકોની/નાગરિકોની તમામ પ્રકારની સલામતીને ગંભીરતાથી ધ્યાને લેવાનું જાહેરનામું કોણ પાડશે એજ અગત્યનું છે