Geo Gujarat News

અહો આશ્ચર્યમ! પાંજરે પુરાયેલ મગર પાંજરું તોડી બહાર આવી ગયો, આમોદ વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી.!

મળેલી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પુરવામાં આવ્યો હતો. અને પાંજરે પુરેલ મગરને વન કચેરી ખાતે મુકવામાં આવ્યો હતો. ગત રાત્રિના અંદાજીત 12:30 થી 1 વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો. અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે સદ્દનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજીત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી.

નોંધનીય છે, કે ક્યાંકને કયાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે પાંજરે પુરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે.? પાંજરું જોતા અનુમાન લગાવાય રહ્યું છે, કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોઈ જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે, કે રાત્રીના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત ટળી ગઈ હતી. કારણ કે જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો, બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોઈ છે. તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોઈ જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવર-જવર રહેતી હોય છે. જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવટ એ વાત નકારી શકાય તેમ નથી. જોકે રાત્રીનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની હતી. સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પુરવામાં આવ્યો હતો. જેથી સ્થાનિકો સહિત વન કર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *