ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ વિપુલ ખનીજ સંપત્તિને લઇને નર્મદા નદીમાં લાંબા સમયથી આડેધડ રેત ખનન થતું હોવાનો વિવાદ વારંવાર ચર્ચામાં આવે છે,અને સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા પણ કથિત ગેરકાયદેસર રેત ખનનના મુદ્દે વારંવાર ઉચ્ચ સ્તરે રજુઆત પણ કરવામાં આવે છે. તાલુકામાં રેત ખનન ઉપરાંત સિલિકાનો વ્યવસાય પણ મોટાપ્રમાણમાં વિકાસ પામ્યો છે,અને કેટલાક સિલિકા પ્લાન્ટના સંચાલકો તેમના પ્લાન્ટમાં ઉત્પન્ન થતું પ્રદુષિત પાણી નજીકની ખાડીઓમાં છોડતા હોવાનું પણ સામે આવતું હોય છે. ત્યારે આજે ઝઘડિયા વિસ્તારના રાણીપુરા નજીકના શીવ એન્ટરપ્રાઇઝ (મીનરલ્સ) દ્વારા નજીકની ખાડીમાં પ્રદુષિત પાણી છોડાયું હોવાની વાત બહાર આવતા આ બાબતે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ કરીને આ મુદ્દે આ સિલિકા પ્લાન્ટને નોટિસ આપી હતી.
ખાડીમાં પાણી પીતા પશુઓને નુકશાન થવાની દહેશતથી સ્થાનિક લોકોમાં ચિંતા : ઉલ્લેખનીય છેકે ખાડીના પાણી સાથે પ્રદુષિત પાણી છોડાતા ખાડીનું પાણી દુષિત બને છે અને કાંઠા વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુઓ ઉપરાંત અન્ય જંગલી જાનવરોના પીવામાં આ દુષિત પાણી આવતા પશુઓના મોત પણ થાય છે. આમેય ઝઘડિયા સ્થિત જીઆઇડીસીની ઘણી કંપનીઓ દ્વારા જાહેરમાં પ્રદુષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ખેડૂતો આમલોકો અને પશુઓની જીંદગી સાથે ખીલવાડ કરતા આવા કથિત મોતના સોદાગરો સામે કાયદેસર પગલા ભરાવા જોઇએ એવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે.
જોકે હાલ ઝઘડિયા સુલતાનપુરાના વિવાદમાં આવેલ આ શીવ એન્ટરપ્રાઇઝ (મીનરલ્સ) સિલિકા પ્લાન્ટના સંચાલક સામે કેવા પગલા ભરાય છે તે તરફ આ પંથકની જનતાની નજર હોવાનું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.