વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા ઇન્ચાર્જ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા. જેથી ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
મળેલી માહિતી પ્રમાણે વાગરાના ઇન્ચાર્જ મામલતદાર એચ.વી વિરાનીને ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની માહિતી મળી હતી, જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન નાંદીડા-પખાજણ માર્ગ પરથી માટી ભરેલા 2 હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા. ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. જેથી ઇન્ચાર્જ મામલતદારે હાઈવા ડમ્પર નંબર GJ-16-U-6530 નો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-16-AU-6696 ના ચાલક દાઉદ અન્સારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઇ નામના ઇસમના હોવાનું જણાવ્યું હતું.
જોકે ખરેખર આ માટી ખનન કયા ચાલી રહ્યું છે.? અને કેટલું માટી ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે. એતો તપાસ બાદજ માલુમ પડશે. પરંતુ હાલ તો ઇન્ચાર્જ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા. વાગરા પોલીસે બંને વાહનો કબ્જે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે, કે ચોમાસુ પૂરું થતાની સાથેજ ભુમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે. અને બેફામ માટી ખનન કરી સરકારી તિજોરીને મોટુ નુકશાન પહોંચાડતા હોઈ છે. ત્યારે હાલતો આ કાર્યવાહીને લઈ પંથકના ભુમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
નઈમ દિવાન, વાગરા