કરજણ નગરના મુખ્ય રાજમાર્ગો ઉપર જાહેર જનતાના જીવને જોખમરૂપ એવા રખડતા તેમજ રોડ વચ્ચે બેસી રહેતાં અડચણરૂપ ઢોર-પશુઓની સમસ્યા દિનપ્રતિદિન વિકટ બનતી જાય છે. જે બાબતે કોઈ અનિચ્છનિય ઘટના ઘટે તે પહેલાં પાલિકા દ્વારા ગંભીરતા દાખવી સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેમ રાહદારીઓ, વાહનચાલકો ઈચ્છી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કરજણ નગરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેરમાર્ગો ઉપર રખડતાં લટાર મારતાં ઢોર – પશુઓ જોવા મળી રહ્યાં છે. અને આવા રખડતાં પશુઓને કારણે ભૂતકાળમાં થયેલ અકસ્માતના બનાવો પણ તેની સાક્ષી પૂરે છે. પરિણામે નગરમાં ગંભીર બની ચૂકેલ રખડતા પશુઓની સમસ્યા રોડ ઉપર બજારમાં, શાક માર્કેટ ખાતે ખરીદી અર્થે નીકળતી મહિલાઓ, સિનિયર સિટીઝનો, બાળકો તેમજ વાહનચાલકો માટે આફત બનવા પામી છે.

કરજણ નવાબજાર વિસ્તારમાં નવી શાકમાર્કેટ, એપીએમસી , એસ.ટી. ડેપો તરફના મુખ્ય રાજમાર્ગ સહિતના રાજમાર્ગો ઉપર પશુઓનો અડિંગો જોવા મળે છે. આ મુખ્ય માર્ગ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો , રાહદારીઓ – ગ્રાહકોની ભારે અવર-જવરથી ધમધમતો રહે છે. તેમજ જૂના બજાર ધાવટ ચોકડી અને ક્યારેક ક્યારેક તો હાઇવે ઉપર પણ લટાર મારતાં રખડતાં ઢોર નજરે પડતાં હોય છે. આ રીતે રોડ ઉપર બજારની મુલાકાત લેતાં અડચણરૂપ પશુઓને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો ભારે હેરાન પરેશાન થતા હોવાનું જાણવા મળે છે.

આમ કરજણ નગરમાં વિકટ બની ગયેલી રખડતા પશુઓની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત પણ કરાતી હોય છે. પણ તંત્ર આંખ આડા કાન કરી જવાબદાર વહીવટીદારો પોતાની ફરજો પ્રત્યે સભાનતાપૂર્વકની બેદરકારી દાખવી રહ્યાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પરિણામે રખડતા પશુઓની સમસ્યાને પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જનહિતમાં પાલિકા દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com