વાગરા મામલતદારને આવેદન પાઠવવા તાલુકામાંથી સેંકડો મુસ્લિમો હાજર રહ્યા : ઉત્તર પ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે.આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે.દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં એએસઆઇ (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ) સરવેની માંગ કરાઈ છે. હાલ કોર્ટે આ કેસની આગામી સુનાવણી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે. આગામી તારીખ 20/12/2024 ના રોજ આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સરવેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સરવે થઇ શકે છે. દરગાહના સર્વે મુદ્દે દેશ ભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે.તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.અને આજે 6 ડિસેમ્બર 2024 ના રોજ જુમ્માની નમાજ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા. અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે દેખાવો કરી વાગરા મામલતદાર મીના બેન મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન સ્વરૂપે દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી.આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.

વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતુ આવેદન પાઠવ્યુ : પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવેલા આવેદન પત્રમાં જણાવાયુ છે, કે તાજેતરમાં ચર્ચામાં આવેલ હજરત ખ્વાજા ગરીબ નવાઝની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાઓ અને મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. હજરત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ માત્ર મસ્લિમ સમુદાય માટે જ નહી પરંતુ સમગ્ર દેશમાં શાંતિ, સદ્દભાવના અને ધાર્મિક એકતાનું પ્રતિક છે.આ દરગાહને દેશની આઝાદી બાદથી દરેક પ્રધાનમંત્રીએ પોતાની આસ્થા પ્રગટ કરવાના પ્રતીકરૂપે ચાદર પણ ચઢાવી છે.

‘તમે ચાદર ચઢાવી હતી’, અજમેર દરગાહ વિવાદ PM મોદી પાસે પહોંચ્યો : વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે આપ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ પવિત્ર સ્થળે ચાદર ચઢાવીને પોતાની ધાર્મિક આસ્થા વ્યકત કરેલી છે. આ દરગાહ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો એક મુખ્ય ભાગ છે.તેમજ 1991 ના Places of Worship Act હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ અને આગવી ઓળખ જાળવવાની જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે,તેની આદરપૂર્વક અને કડકપણે અમલવારી કરાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરાઈ છે.

વધુમાં આવેદનમાં જણાવાયુ છે, કે અમે આ પત્ર દ્વારા વિનંતી (માંગ) કરીએ છીએ, કે હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને સંબંધિત (કોર્ટમાં દાખલ યાચીકા) આ મહત્વપુર્ણ બાબત માટે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા આપે અને કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા માટે બાંહેધરી અને દેશના દરેક નાગરિકની ધાર્મિક લાગણીઓને આદર સાથે સંબોધન કરે. તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશો તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરી હતી.

આવેદન આપતી વેળાએ યુવા સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ પટેલ,સદ્દામ મામુ, મુસ્તાક દલાલ,સાજીદ રાજ, ઝાકીર મુન્શી, ઝાકીર સરપંચ વોરાસમની, મકસુદ ભાઈ પહાજ તેમજ સિકંદર ભટ્ટી, માજી સરપંચ કાસમભાઈ રાજ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા. આ વેળાએ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલીસ પણ ખડેપગે હાજર રહી હતી.

અજમેર દરગાહ વિવાદ મુદ્દે મુસ્લિમ નારાજ: સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માગણી : દેશભરમાં મસ્જિદો અને દરગાહને લઈને થઈ રહેલા દાવાઓ વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે હવે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી છે. અગાઉ જમિયત ઉલેમા-એ-હિંદે પણ સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી. બોર્ડ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરવામાં આવી છે કે નીચલી અદાલતોમાં આવા દાવાઓની સુનાવણી થઈ રહી છે. કોર્ટે આ અંગે સુઓ મોટો સંજ્ઞાન લેવું જોઈએ અને તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બોર્ડે કહ્યું કે, સંસદે પૂજા સ્થળનો કાયદો પસાર કર્યો છે. આ કાયદાનો અમલ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોની છે. જો આમ નહીં થાય તો દેશની સ્થિતિ વણસી શકે છે. સુપ્રીમ કોર્ટે આવા મામલામાં હસ્તક્ષેપ કરીને કાયદાનું રક્ષણ કરવું જોઈએ. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) ના હસ્તક્ષેપની માંગ કરીને આવા દાવાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. બોર્ડે કહ્યું કે, સંભલમાં જામા મસ્જિદનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. આ પછી અજમેર દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અજમેર દરગાહ વિશે એવું કહેવામાં આવે છે કે અહીં એક શિવ મંદિર હતું. જેમાં રોજ પૂજા થતી હતી. એક રિપોર્ટ અનુસાર ડો.ઇલ્યાસના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ કેસમાં સ્પષ્ટ કરી દીધું છે, કે નવો કાયદો લાગુ થયા બાદ હવે કોઈ દાવો કરી શકાશે નહીં. પરંતુ નીચલી અદાલતોમાં દાવાઓ સ્વીકારવામાં આવી રહ્યા છે. નમ્ર અભિગમ અપનાવીને દાવા મંજૂર કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, અદાલતોને આવા દાવા ન સ્વીકારવા સૂચનાઓ જારી કરવી જોઈએ. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટે પરિસ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આવા દાવાઓ વધુ ખરાબ ન થાય.

ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચેરમેન અને અજમેર શરીફ દરગાહના પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસીરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, દરગાહ 850 વર્ષ જૂની છે અને તેનું 100 વર્ષ જૂના એક પુસ્તકના આધારે ખંડન ન થઇ શકે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ચિશ્તીએ કહ્યું કે કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી છે, એક દરગાહ કમિટી, ASI અને ત્રીજું લઘુમતી બાબતોનું મંત્રાલય છે. હું ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો વંશજ છું, પરંતુ મને આમાં પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. અમે નજર રાખી રહ્યા છીએ. અમે અમારી કાનૂની ટીમના સંપર્કમાં છીએ,અમે તેમની સલાહ મુજબ જે પણ કાયદાકીય પગલાં ભરવાની જરૂર પડશે તે કરીશું.આ એક ન્યાયિક પ્રક્રિયા છે, કોઈપણને કોર્ટમાં જવાનો અધિકાર છે.

સૈયદ નસરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, આજે ભારત ગ્લોબલ શક્તિ બનવા જઇ રહ્યું છે, આપણે ક્યાર સુધી મંદિર-મસ્જિદના વિવાદમાં ફસાતા રહીશું. આપણે આવનારી પેઢીઓને શું મંદિર-મસ્જિદ વિવાદ આપીને જઇશું. સસ્તી લોકપ્રિયતા માટે લોકો એવા પગલા ભરે છે જેનાથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે. અજમેર દરગાહ સાથે આખી દુનિયાના મુસ્લિમ, હિન્દૂ, શિખ, ઇસાઇ અને તમામ ધર્મના લોકો જોડાયેલા છે, સૌની આસ્થા દરગાહ સાથે જોડાયેલી છે. ચિશ્તીએ દરગાહના ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમામ ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. અજમેરનો ઇતિહાસ 850 વર્ષ જૂનો છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી 1195માં ભારત આવ્યા હતા અને 1236માં નિધન થયું હતું. તે બાદથી અહીં દરગાહ છે. આ 850 વર્ષમાં કેટલાક રાજા-રજવાડા, મુઘલ, બ્રિટિશ અહીં આવીને પ્રસાર થયા સૌની આસ્થા જોડાયેલી છે. અહીં ચાંદીનો કટોરો જયપુર મહારાજાએ ચઢાવ્યો હતો. આ કરોડો લોકોની આસ્થાને ઠેસ છે. આ સમાજને વહેંચવા અને દેશને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તેમ તેઓએ જણાવ્યું હતું.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com