ગેરકાયદેસર ખનીજ ખનન કરતું હિટાચી મશીન જપ્ત કરાયું :- વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી બે દિવસ પહેલા રાત્રીના સમયે ખાણખનીજ વિભાગ દ્વારા માટી ખનન ઝડપી પાડી એક હિટાચી મશીન જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યું હતું. ત્યારે આ કાર્યવાહીને વધુ વેગ આપવામાં આવે તે માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી અધિકારી ભરૂચને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ વાગરા તાલુકાના નાંદેરા ગામની સીમમાંથી ખાણ ખનીજની ટીમે ગેરકાયદેસર માટીખોડકામ કરતા એક હીટાચી મશીનને ઝડપી પાડ્યું હતું.

ખનીજ માફિયાઓના નામ જાહેર કરવાની AAP ની માંગ :- પરંતુ તપાસમાં ક્યાંકને ક્યાંક ઢીલાશ દાખવવામાં આવી રહી હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે. પરંતુ આ કામમાં કેટલા પ્રમાણમાં માટી ખોદકામ કરવામાં આવેલ છે. તેમજ આ માટી ક્યાં ઠાલવવામાં આવી રહી હતી. આ હિટાચી મશીનનો માલિક કોણ છે? તદુપરાંત આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કયા-કયા વાહનો વપરાતા હતા. તે વાહનો તેમજ તે વાહનોના માલિકોના નામની યાદી સહિત આ ખનીજ ચોરીમાં અન્ય કોણ-કોણ સામેલ છે.? એ તમામ વિગતો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. અન્યથા આ ગેરકાયદેસર ખનીજ ખનન બાબતે ઉચ્ચ અધિકારીથી લઇ કોર્ટ રાહે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

આમ આદમી પાર્ટીએ ગેરકાયદેસર ચાલતા માટીખનનની લિસ્ટ તૈયાર કરી:- વધુમાં વાગરા તાલુકામાં અન્ય સ્થળોએ પણ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર માટી ખનન કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ કરવામા આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ એક લિસ્ટ તૈયાર કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું. આમ આદમી પાર્ટીએ તૈયાર કરેલ લિસ્ટમાં કુલ આઠ લોકેશન દર્શાવવામાં આવ્યા છે. જેની યાદી નીચે મુજબ છે.
(૧) અટાલી ગામની સીમ, GIDC ઝોન
(૨) વેંગણી કોલીયાદ રોડ, વેંગણી સીમ
(૩) નાંદેરા ગામની સીમ
(૪) લીમડી ગામની સીમ
(૫) દહેજ, લખીગામ પાસે
(૬) વાસી ગામ, બુલેટ ટ્રેનના બ્રિજની બાજુમાં
(૭) પખાજણથી ગલેન્ડા જતા રોડ પર આવેલ 73AA નું ખેતર
(૮) અંકલેશ્વર તાલુકાના નૌગામાં ગામની સીમ, એરપોર્ટની બાજુમાં..

ભરૂચ જિલ્લાને ભુમાફિયાઓથી બચાવવા આમ આદમી પાર્ટી મેદાનમાં:- ઉપરોક્ત કુલ ૮ જગ્યાએ ગેરકાયદેસર માટીખનન ચાલતું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ ભૂસ્તરશાસ્ત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. અને જણાવ્યું હતું, કે આ તમામ જગ્યાએ પણ બેફામ રીતે ગેરકાયદેસર માટીખનન થઈ રહ્યું છે. જેનું અમે વિપક્ષ તરીકે આપની કચેરીનું ધ્યાન દોરી રહ્યા છે. જેથી આ તમામ જગ્યાએ નિષ્પક્ષ રીતે કાયદેસરની કાર્યવાહી કરવાની આશા વ્યક્ત કરાઈ છે. અને જો આમ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લાને ભુમાફિયાઓથી બચાવવા ગાંધી ચીંધ્યા માર્ગે ભરૂચ જિલ્લો બચાવ અભિયાનના ભાગરૂપે પગપારા યાત્રા યોજાવાની તૈયારી પણ બતાવી છે. હવે જોવું એ રહ્યું કે, આમ આદમી પાર્ટીની રજુઆત બાદ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી, અધિકારી શુ કાર્યવાહી કરે છે.
નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com