વાગરામાં સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પહેલા ભારે પવન ફૂંકાયો જેનાથી ધૂળની ડમરીઓએ વિઝીબલિટીમાં ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. એક તરફ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યાં અચાનક મેઘરાજની સવારી આવી પહોંચતા વાતાવરણ આહલાદક થઈ ગયું હતું. ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ નુકશાન પણ થયું હતું. હોર્ડિંગ, કેબલો, પટરાના શેડ સહિતની વસ્તુઓ પવનમાં ઉડી ગઈ હતી. જેને કારણે લોકોને આર્થિક નુકશાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. ભારે પવન શરૂ થતાની સાથેજ વીજળી પણ ડૂલ થઈ જતા પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો. સાંજે 7 વાગ્યે પણ વીજળીના કડાકા ભડાકા સાથે અમી વરસાદ વરસી રહ્યો હતો.

વાગરા તાલુકાના ચાંચવેલ ગામે આમોદને જોડતા માર્ગ ઉપર DGVCL ના વિજપોલ ભારે પવનમાં તૂટી પડતા વીજ વાયરો રોડ ઉપર પડી જતા બેરીકેડ કરીને માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. તદુપરાંત એક વિજપોલ નજીકમાં રહેલ કેબિન ઉપર તૂટી પડતા કેબિનધારકને પણ આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. વધુમાં ચાંચવેલ ગામમાં કેટલાક મકાનોના છાપરા પણ ભારે પવનના કારણે ઉડી જવા પામ્યા હતા. વીજપોલ તૂટી પડવાને કારણે ચાંચવેલ ગામમાં વીજળી ડૂલ થઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી.

વાગરા સહિત પંથકના સાંચણ, પહાજ, મોસમ, મુલેર કેશવાણ, સારણ, વિલાયત, વોરાસમની સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ક્યાં અને કેટલું નુકશાન થયું હશે તેની માહિતી હજુ સામે આવી નથી. એક તરફ ગરમીમાંથી રાહત મળતા લોકો ઠંડકની મજા માણી રહ્યા છે. તો બીજી તરફ કમોસમી વરસાદી ઝાપટાથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com