દક્ષીણ ગુજરાત વીજ કંપનીના ભરૂચ રૂરલ વિભાગના હેલ્પર મનોજ દ્વારા વીજ ઉપભોકતાઓને ઉડાઉ જવાબો આપી અસભ્ય અને ઉદ્ધત વર્તન દાખવવામા આવતું હોવાની બુમો ગ્રામ્ય વિસ્તારના વીજ ગ્રાહકોમાથી ઉઠવા પામી છે. ચ્હા કરતા કીટલી ગરમ હોય તેમ હેલ્પર મનોજ પોતે જ કાર્યપાલક ઈજનેરનો વહેમ રાખી રોફ જમાવી વીજ ગ્રાહકોને રંજાડતો હોવાની ફરિયાદ પણ સપાટી પર આવી છે. ગત તા.૨૨ ના રોજ ઘટેલ ઘટના અનુસાર દયાદરા ગામના એક વીજ ગ્રાહક દ્વારા પોતાના ઘરે લાઈટ બંધ થતા તેમણે દયાદરાના હેલ્પર મહેશ અને મુકેશ રજા પર હોઈ તેમણે ભરૂચ ગ્રામ્ય વીજ કચેરીનો સંપર્ક કર્યો હતો અને પોતાના ઘરે ખોરવાઈ ગયેલા વીજ પુરવઠા બાબતે રજુઆત કરી હતી.જેથી ઉચ્ચ કક્ષાએથી મનોજ નામના હેલ્પરનો નંબર આપવામાં આવ્યો હતો. આ નંબર પર વીજ ગ્રાહક દ્વારા ફોન કરતા હેલ્પર મનોજે ફોન ઉઠાવ્યો હતો. અને પોતે મહેશ બોલે છે. તેમ જણાવી વીજ ઉપભોકતા સાથે જૂઠ બોલી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. વધુમાં હેલ્પર મનોજે તુમાખી પૂર્વક કહ્યું હતું કે, મારે દયાદરા લાગતું નથી. આ મારો પર્સનલ નંબર છે, બોર્ડનો નંબર નથી. મને જીઇબી એ નંબર ફાળવેલ નથી. અત્યારે હું વ્હાલું સરનાર લાઈન પર છું, મારી એગ્રિકલ્ચર લાઈન બંધ છે. દયાદરાના કામ માટે મારા સિવાય કોઈ બીજો માણસ નથી. ઉપરના લેવલે બેઠેલા અધિકારીઓ બધાને મારો નંબર આપી દે છે, હાલ હું બીજા કામમાં વ્યસ્ત છું. એટલે દયાદરાનું કામ મારી અન્ડરમા આવતું નથી. પહેલા કંપલેઇન નોંધાવો ત્યાર પછી જ શાંતિથી તમારી લાઈટ ચાલુ કરીશું તેમ જણાવ્યું હતું. વધુમાં હેલ્પર મનોજે જણાવ્યું હતું કે મારી પાસે એક ગામનું કામ નથી, તમોને એવું લાગતું હોય કે મનોજ એલફેલ બોલે છે. તો તમારે જે કરવું હોય તે કરી લ્યો કોઈ મારું કશું જ ઉખાડી લેવાનું નથી ની શેખી મારી હતી. જ્યાં સુધી મારું ફીડર ચાલુ નહિ થાય ત્યાં સુધી તમારા ઘરની લાઈટ ચાલુ નહિ થાય તેમ હેલ્પરે વીજ ગ્રાહકને તોછડાઈ પૂર્વક જણાવ્યું હતું. આ બાબતે ડીજીવીસીએલ ના ડી.ઇ એસ.એસ પારધીનો ટેલિફોનિક સંપર્ક સાધી રજુઆત કરતા તેઓએ પણ મનોજને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે રાત્રે વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઈજનેરનો ફરી વખત અનેક વાર મોબાઈલ પર સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા છેવટે તેમનો સંપર્ક પ્રસ્થાપિત થતા વીજ પુરવઠો બહાલ ન થવા બાબતે તેમને કમ્પ્લેન કરતા નાયબ કાર્યપાલક ઇજનેરે બેકાર માણસ છે, તેનું મગજ થોડુંક એવું જ છે અને ડ્રિન્ક પણ કરે છે. જવાદોને એને તેમ જણાવી વીજ પ્રવાહ રાબેતા મુજબ કરાવવાની કવાયત હાથ ધરી હતી.

અત્રે એ સવાલ ઉપસ્થિત થાય છે કે ડી જી વી સી એલ ના નાયબ કાર્યપાલક ઈજનેર આવા માથાભારે કર્મીઓના વર્તન વિશે જાણતા હોવા છતાંય આવા કામદારો સામે નશયતરૂપ પગલાં લેવાને બદલે કેમ છાવરી રહયા છે..?? તે બાબત ઘણી શંકા-કુશંકાઓ ઉપજાવી રહી છે. વીજ ગ્રાહક સાથે અશોભનીય વ્યવહાર અને વીજ સુવિધા પૂરી પાડવામાં જાણી બુઝીને વિલંબ બાબતે જાગૃત નાગરિકે ઓડીઓ કોલ રેકોર્ડિંગ સાથે DGVCL ના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવવા ચક્રો ગતિમાન કરાયાની માહિતી પણ સાંપડી રહી છે.નોંધનીય છે કે ડબલ એન્જીનના પાવરની વાતો કરતી સરકારના રાજમા એક વીજ ગ્રાહકના ઘરે ગુલ થયેલ બત્તી ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા વીજ ગ્રાહકને વીજ કંપનીના વાંકે વેઠવી પડતી વેદનાઓ પરથી ફલિત થાય છે કે સરકારની ડબલ એન્જીનની વાતોને માત્ર પોકળ સાબિત કરવામાં ભરૂચ ગ્રામ્ય વિભાગનું વીજ તંત્ર સફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com