ભરૂચ શહેરમાં ગતરોજ રાત્રે પડેલા કમોસમી ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વોર્ડ નંબર 7ની નવી વસાહતમાં અંડરગ્રાઉન્ડ ગટર ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રહેણાંક મકાનોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ,ગટરમા વારંવાર અવરોધ સર્જાતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી. રહીશોએ અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં ગટરની યોગ્ય સાફ સફાઈનો પ્રશ્ન યથાવત રહ્યો હોવાનું જણાવ્યું હતું.

ગતરાત્રે પડેલા વરસાદના પગલે ગટર ઓવરફ્લો થતા નાળાની માફક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનાને પગલે અનેક લોકોનો રોષ ફાટ્યો હતો અને કેટલાક રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપના કોર્પોરેટરો સામે અસંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આવતા ચૂંટણીમાં કમળને મત આપતા પહેલાં વિચારવું પડશે.”જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ગટર સફાઈની કામગીરી હાથ ધરી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com