આમોદ સ્થિત બચ્ચો કા ઘર સંચાલિત મેહફુઝા ઝેડ હકીમ સીવણ ક્લાસ ચાલી રહ્યો છે. આમોદ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારની બહેનો તાલીમ મેળવી રહી છે. આ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને પગભર કરવામાં માટે પણ અનેક પ્રકારના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ગરીબ બહેનોના કલ્યાણ અર્થે સીવણ કલાસ ચલાવવામાં આવે છે. જેમાં આજ સુધીમાં અનેક બહેનોએ તાલીમ લઈ અને પોતાની પગ પર ઉભી થઇ છે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોના કોમ્પ્યુટર ક્લાસ પણ ચાલી રહ્યા છે. તદુપરાંત અનેક સેવાકિય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થામાં તાલીમ લીધેલ મહિલાઓને સરકાર માન્ય સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા. તદુપરાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.
અવિરત છેલ્લા ૪૮ વર્ષથી બચ્ચો કા ઘર સેવાઓ પ્રદાન કરી રહી છે. :- આમોદ-જંબુસર માર્ગ પર બચ્ચો કા ઘર નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થા વર્ષ ૧૯૭૭ થી સેવામાં કાર્યરત છે. જ્યાં ૧૭૦૦ થી વધુ બાળકો ધાર્મિક તેમજ શૈક્ષણિક અભ્યાસ મેળવી રહ્યા છે. અહીંયા મુસ્લિમ બાળકો મઝહબી શિક્ષણ મેળવી રહ્યા છે. સાથેજ અહીંયા ગુજરાતી માધ્યમમાં ધોરણ ૧ થી ૧૨ તેમજ ઇંગ્લિશ મીડીયમમાં ૮ સુધીના વર્ગો કાર્યરત છે. જેમાં હિન્દુ-મુસ્લિમ સહિત દરેક જ્ઞાતિના બાળકો શૈક્ષણિક અભ્યાસ મેળવી રહ્યા છે. વધુમાં અહીંયા પાછલા ત્રણ વર્ષથી બાળકો માટે કોમ્પ્યુટર ક્લાસ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. ઇંગ્લિશ તેમજ ગુજરાતી માધ્યમ મળી અંદાજીત ૧૦૦૦ થી વધુ બાળકો નિઃશુલ્ક શિક્ષણ મેળવી રહ્યા છે.
રાહત દરનું દવાખાનું આશીર્વાદરૂપ બન્યું :- એટલુંજ નહીં બચ્ચો કા ઘર સંચાલિત રાહત દરનું દવાખાનું પણ આવેલું છે. જ્યાં માત્ર ૩૦ રૂપિયાના દરે દવાઓ આપવામાં આવે છે. તેમજ સમયાંતરે અહીંયા આંખ ચેકઅપ, હેલ્થ ચેકઅપ સહિતના વિવિધ આરોગ્યલક્ષી કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. જે આસપાસના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થાય છે. ખરેખર બચ્ચો કા ઘર સંસ્થા એ પંથકમાં સત્કાર્યોની સુવાસ પ્રસરાવી રહી છે.
૩૮ જેટલી બહેનોએ સીવણ ક્લાસની તાલિમ પૂર્ણ કરી :- ઉલ્લેખનીય છે, કે આ નામાંકિત સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી સહિત મહિલાઓને પણ પગભર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૭ મહિનાથી આ સંસ્થામાં સીવણ ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં દરેક સમાજની બહેનો નિઃશુલ્ક તાલીમ મેળવી રહી છે. જ્યાં આજરોજ એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની રૂપરેખા આપતા મૌલાના બશિર સાહબ એમ.રાણાએ આવેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ઉક્ત કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. અને હાજર મેદની સમક્ષ બચ્ચો કા ઘર આમોદની તમામ કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં સીવણ ક્લાસની તાલીમ પૂર્ણ કરેલ કુલ ૩૮ જેટલી બહેનોને સરકાર માન્ય સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા :- સાથેજ ધોરણ-૧૦ ની પરીક્ષામાં ૮૦ ટકાથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાના હેતુસર તેઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. આયોજિત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બચ્ચો કા ઘર આમોદના ટ્રસ્ટી મૌલાના ઇસ્માઇલ દયાદરવી સાહબ તેમજ અતિથિ વિશેષ તરીકે આમોદના નાયબ મામલતદાર કિંજલ બહેન, આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, સીવણ ક્લાસની તાલીમ લઈ રહેલ બહેનો સહિત આમોદ તેમજ આસપાસના ગામોમાંથી પધારેલ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ વેળાએ સંસ્થાની ઉક્ત તમામ કામગીરીને બિરદાવી હતી.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com