તંત્રએ જાહેર કરેલા “નો પાર્કિંગ” ઝોનમાં પાર્ક થતાં વાહનો પ્રત્યે તંત્ર બેધ્યાન હોવાની બૂમો :- ભરૂચનાં કોલેજ રોડ પર સવારથી સાંજ સુધી વિદ્યાર્થીનીઓની અવર જવર રહે છે. જિલ્લાનું મોટાભાગનું યુવાધન આ માર્ગનો ઉપયોગ કરે છે. જેથી અહીં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોલેજની બહાર જ એક પોલીસ ચોકી વર્ષોથી છે. અહીં પોલીસ ચોકી હોવા છતાં આ માર્ગ પર કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યુ છે. બ્રિજની નીચે વહીવટીતંત્ર દ્વારા પાર્કિંગનાં સ્ટીકર બેનર લગાવવામાં આવ્યા છે. તેમ છતાં અસામાજીક તત્વો બ્રિજની નીચે પોતાનાં વાહનો પાર્ક કરે છે. કેટલાક તો અહીં ઉભા ઉભા ચેનચાળા પણ કરે છે. પરંતુ તંત્ર પોતે જ જાહેર કરેલા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થતાં વાહનો પ્રત્યે બેધ્યાન હોવાની બુમ ઉઠી રહી છે.

“નો પાર્કિંગ”બેનર શોભાનાં ગાંઠિયા સમાન બન્યા? :- નર્મદા મૈયા બ્રિજને ફ્લાયઓવર સ્વરૂપે લંબાવી તેનો છેડો ભોલાવ એસ ટી ડેપો સુધી આપવામાં આવ્યો છે. જેનાં કારણે શીતલ સર્કલ પર થતાં ટ્રાફીકજામથી શહેરના લોકોને કાયમી છુટકારો મળ્યો છે. પરંતુ એક સમસ્યાના સમાધાનની સાથે બીજી એક સમસ્યા સર્જાય છે. આ ફ્લાયઓવરનાં નીચેનાં ભાગમાં તંત્ર દ્વારા નો પાર્કિંગનાં બેનર સ્ટીકર લગાવવામાં આવ્યાં છે. પરંતુ આ બેનર શોભાનાં ગાંઠિયા સમાન હોય તેમ તેની કોઈ અમલવારી કરવામાં આવતી નથી. અને લોકોમા હાસ્ય પદ છબી તંત્રની બની છે.

ભરૂચ કોલેજ રોડ ઉપરનો પાર્કિંગ જોન માજ આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહીની માંગ ઊઠી છે. :- નિયમની ઐસી તૈસી કરીને બેફામ રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે. જેના કારણે ક્યારેક ટ્રાફિકને અડચણ ઉભી થાય છે. શીતલ સર્કલ પર કાયમ ટ્રાફીક પોલીસ તૈનાત હોય છે. આ ઉપરાંત આ માર્ગ પર સૌથી વધુ યુવાવર્ગની અવરજવર હોવાથી કાયદો અને વ્યસ્થા જાળવવા તેમજ અસામાજીક પ્રવૃતિ અટકાવવા આ માર્ગ પર વર્ષોથી પોલીસ ચોકી હોવા છતાં લોકો દ્વારા નિયમોનો ભંગ થઈ રહ્યો છે.

કેટલાક અસમાજીક તત્વો બ્રિજ નીચે વાહનો પર ટાંટીયા લંબાવીને બાપાના બગીચામાં બેઠા હોય તેવો રૌફ મારતાં હોય છે. તો કોલેજના સમયગાળા દરમિયાન ચેનચાળા કરતા પણ જોવા મળે છે. પોલીસ તંત્ર દ્વારા જે જગ્યાએ આવા પાટીયા મારવામાં આવ્યા છે. તેની નીચે જ વાહનો પાર્ક કરી પોલીસની સુચનાની હંસી ઉડાવતા લોકો સામે પોલીસે આકરુ વલણ અપનાવવાની જરૂર છે. પોલીસ તંત્ર પોતે જાહેર કરેલા “નો પાર્કિંગ” ઝોનને ખરેખર “નો પાર્કિંગ ઝોન” તરીકે પ્રસ્થાપિત કરે તો જ ટ્રાફીક સહિત અસામાજીક પ્રવૃતિ પર અંકૂશ આવી શકશે.


Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com