ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે. ગ્રામજનોએ અનેક વાર રજૂઆત કરવા છતાંય સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ ઊઠાવી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી. તંત્ર દ્વારા વારંવાર માત્ર આશ્વાસનોજ આપવામાં આવ્યા છે, પરંતુ કાર્યવાહી શૂન્ય છે. હાલત તો એવી છે કે, થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઇડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છિદ્ર કરી પાણી લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તંત્ર દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા.

આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો, તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનોએ જણાવ્યું હતું, કે “અમે ધારાસભ્યથી લઇ તાલુકા પંચાયત સુધી અવિરત રજૂઆતો કરી છે, પણ દસ વર્ષથી પાણી માટે અમે વલખા મારી રહ્યા છીએ,” આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું, કે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com