આજે વડ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો પતિના લાંબા આયુષ્ય, આરોગ્ય અને ધન-સંપદા માટે આ વ્રત કરતી હોય છે. પોતાનું સિંદૂર સુરક્ષિત રહે તે હેતુથી પરિણીત સ્ત્રીઓ વડની પ્રદક્ષિણા ફરતી હોય છે. પરિણીત સ્ત્રીઓ સિંગદાણા, બદામ, કાજુ, પીપરમિન્ટ વગેરે મૂકીને વડની પ્રદક્ષિણા કરતી હોય છે. 108 પ્રદક્ષિણા ફરતી વખતે વડને સૂતરની દોરી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી જાય છે.

આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પતિના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે હોય છે. આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ધનવાન રાજકુંવરી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું. આજના દિવસે વડ સાવિત્રી વ્રતની કથા, વિષ્ણુ સહસ્રનામના પાઠ, શિવજીની પૂજા-અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું માહાત્મ્ય રહેલું છે. આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણામાં સવિશેષ જોવા મળે છે. આજે વડની પ્રદક્ષિણા કરવા માટે તેમજ શિવજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામશે. ઘણી બહેનો આ વ્રતની ઉજવણી વિધિવત્ 5, 7, 11 વર્ષ પૂર્ણ કરી તેની ઉજવણી કરતી હોય છે. જેમાં સૌભાગ્યવતી સ્ત્રીનું પૂજન, અર્ચન કરી તેને ભોજન કરાવી, દક્ષિણા સાથે સૌભાગ્યનો શણગાર અપાય છે.

કેતન મહેતા, ભરૂચ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com