અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસી લૂંટ કરી હતી. ઘટના મુજબ, આરોપી કાલુ થોડા દિવસ પહેલા ફરિયાદીના ઘર પાસે ઝાડ કાપવા આવ્યો હતો. ફરિયાદીએ તેને ના પાડતા બોલાચાલી થઈ હતી. આ રીસ રાખીને તા. 7/6/2025ની રાત્રે સાડા અગિયારથી બાર વાગ્યા દરમિયાન દિપક ઉર્ફે કાલુ રાજુભાઈ શાહ, સુમિત ઉર્ફે સોનુ રમેશભાઈ વસાવા, સાગર દશરથભાઈ તામ્બે અને સુમિત ઉર્ફે સોનુ રમેશભાઈ વસાવા ફરિયાદીના ઘરે આવ્યા હતા. આરોપીઓએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. આરોપી સોનુએ ફરિયાદીને હાથમાં ચપ્પુ માર્યું અને કાલુએ લાકડી વડે માર માર્યો હતો. આરોપીઓએ ફરિયાદીના હાથમાંથી સોનાની વીંટી અને રોકડા રૂ. 30,000 લૂંટી લીધા હતા. સાહેદ અજયને પણ માર મારી ભાગી ગયા હતા. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર વી.યુ.ગડરીયાએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે ચારેય આરોપીઓને પકડી પાડ્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. તેમની પાસેથી લૂંટમાં વપરાયેલું એક્ટિવા, ચપ્પુ, લાકડી અને સાત હજાર રોકડા રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.