Geo Gujarat News

વાગરા: સાયખાની હોર્બેક્સ મેડિસીન્સ કંપની પાછળ ચાર અબોલ પશુઓના શંકાસ્પદ મોતથી ચકચાર મચી, તંત્ર દોડતું થયું

વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલ હોર્બેક્સ મેડિસીન્સ કંપનીના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં ચાર મૂંગા પશુઓના શંકાસ્પદ મોતને પગલે GIDC વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે GPCB ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી.વાગરાના સાયખા કેમિકલ ઝોનના ખુલ્લા પ્લોટમાં મંગળવારના રોજ ચાર ભેંસો કોઈક કારણોસર મોતને ભેટી હતી. જેને પગલે પશુપાલકના માથે આર્થિક સંકટના વાદળો ઘેરાયા હતા. ઈશ્વરભાઈ આહીરના ચાર ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેઓએ જણાવ્યુ હતુ કે, આ પશુઓના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી થયુ છે. તેઓએ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિતના તંત્રને જાણ કરી પ્રદુષણ ઓકતી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને તેઓને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહીની સાથે વળતરની માંગ ઉચ્ચારી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા મામલતદારને પશુઓના શંકાસ્પદ મોત બાબતે જાણ કર્યા બાદ પણ કેટલાય કલાકો સુધી મામલતદાર ઘટના સ્થળે ન પહોંચતા ઉપસ્થિત લોકોમાં મામલતદારની નિષ્ક્રિયતા સામે રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે જીપીસીબી ના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મૃત ઢોરોની આસપાસના ખાડાઓમાં ભરાયેલા પાણીના નમૂના એકત્ર કરી પૃથક્કરણ અર્થે જીપીસીબી કચેરીએ લાઇ જવામાં આવ્યા હતા.હવે જોવુ રહ્યુ કે, તંત્ર કેવી કાર્યવાહી હાથ ધરે છે.હાલ તો પશુમાલિક આર્થિક ફટકો ખાઈ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે. ઉલ્લેખનીય છે, કે સાયખા કેમિકલ ઝોનમાં હવે વરસાદી પાણીની ઓઠમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો કેમિકલ છોડતા હોઈ છે. જેને કારણે અબોલ પશુઓ સહિત જળચર જીવો પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે આવા બેફામ ઉદ્યોગકારો સામે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *