બે ભારદારી વાહનો ફસાય જતા વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો:- ઓરા ગામ નજીક માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોડનું નવીનીકરણ માટે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ તોડવામાં આવ્યો હતો. જે બાદ કામગીરી અધૂરી છોડી દેવામાં આવતા માર્ગ ઉપર મસ મોટા ખાડાઓ સહિત કાદવ કિચડનું પણ સામ્રાજ્ય જામી ગયું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. માર્ગ ઉપર પડેલા મોટા-મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને અગવડતા પડી રહી છે. ખરાબ રસ્તાને કારણે આજરોજ બે ભારદારી વાહનો ફસાય જતા વાહનવ્યવહાર પ્રભાવિત થવા સાથે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાય જવા પામ્યા હતા. ત્યારે જો તાકીદે આ માર્ગનું સમારકામ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ચક્કાજામની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
કોન્ટ્રાક્ટરે અધૂરી કામગીરી છોડી દેતા માર્ગ બિસ્માર બન્યો?:- ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઠેર-ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે વાગરા-સુડી માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે. ઓરા ગામ નજીક ભારદારી વાહનો ફસાવાની ઘટનાઓ બની રહી છે. જેને કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે. ઓરા ગામ નજીક આજરોજ બે ટ્રકો ખાડામાં ફસાય જવાને કારણે ટ્રાફિકજામનું પણ નિર્માણ થયું હતું. સાથેજ વાહન માલીકોને આર્થિક નુકશાની વેઠવાનો પણ વારો આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દિવાળી પહેલા આ માર્ગનું નવીનીકરણ કરવાનું હતું. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા રોડને તોડવાનું કામ કરાયું હતું. જોકે ત્યાર બાદ રોડને આજ હાલતમાં છોડી દેવાને કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે. રોડ તૂટી જવાને કારણે ઠેર-ઠેર મોટા-મોટા ખાડાઓ પડ્યા છે. વધુમાં ભરૂચ-દહેજ માર્ગ બંધ હોવાને કારણે કેટલાક ભારદારી વાહનો સમનીથી ઓરા તરફ વળી રહ્યા છે. જેને કારણે આ માર્ગ ઉપર વાહનોનું ભારણ પણ વધ્યું છે. ભારદારી વાહનો ફસાય જવાથી વાહન ચાલકોને અવરોધ થઈ રહ્યો છે. જો ગામમા કોઈ ઇમર્જન્સી સર્જાય તો અમારા ગામમાં એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ સમયસર પહોંચી ન શકે તેવી ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે.
તાકીદે કાર્યવાહી નહીં કરાય તો અમે રસ્તો જામ કરીશું : ગ્રામજનો :- વધુમાં ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, વાગરા મુખ્ય મથક હોવાને કારણે અમારે અવાર-નવાર વાગરા જવાનું થતું હોય, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, કોર્ટ કચેરી સહિત હોસ્પિટલના કામકાજ અર્થે પણ વાગરા જવું પડતું હોય છે. વાગરાને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હોવાને કારણે ગ્રામજનો પણ હલાકીમાં મુકાય જવા પામ્યા છે. આ માર્ગ પરથી પસાર થવું વાહન ચાલકો માટે શિરદર્દ સમાન બની ગયું છે, ખખડધજ માર્ગને કારણે દિવસ દરમિયાન ટ્રાફિકની પણ સમસ્યા સર્જાઈ રહી હોવાની ફરિયાદો વાહન ચાલકોમાં ઉઠવા પામી છે. ભરદારી વાહનોનું ભારણ વધતાં આ રસ્તો દિવસે ને દિવસે વધુ બિસ્માર બની રહ્યો છે.
ગ્રામજનોનું કહેવું છે કે, અમને ખબર છે કે ચોમાસુ શરૂ થઈ ગયું છે. માટે વરસદમાં રસ્તો તાતકાલિક નવો નથી બની શકવાનો. પરંતુ સારી રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. ત્યારે તાકીદે જો આ સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો કલેકટરને આવેદન પાઠવી રસ્તો જામ કરવાની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામા આવી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com