Geo Gujarat News

વાગરા: સારણ ગામમાં શંકાસ્પદ કાર જણાતા ચોર હોવાની શંકાએ ગ્રામજનોએ પીછો કર્યો, અજાણ્યા ઈસમો હાથટાળી આપી રફુચક્કર થઈ ગયા!!

ગ્રામજનોએ પીછો કરતા અજાણ્યા ઈસમોએ ફુલસ્પીડમાં કાર હંકારી મૂકી: ગતરાત્રીના સમયે સારણ ગામમાં એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. જેનો પીછો કરતા અજાણ્યા ઈસમોએ કાર ભગાડી મૂકી હતી. જોકે ગ્રામજનોએ પીછો કરવા છતાંય હાથ ન લાગી ફરાર થઇ ગયા હતા.

સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો ગતરાત્રીના લગભગ બે વાગ્યાના અરસામાં સારણ ગામના યુવાનો કાર લઈને બહાર ગયા હતા. જેઓ રાત્રીના સમયે ઘરે પરત આવી રહ્યા હતા. ગામમાં પ્રવેશતાજ એક શંકાસ્પદ ઝાયલો કાર નજરે પડી હતી. કારમાં સવાર યુવકોને શંકાસ્પદ ગતિવિધિ જણાતા તેઓ નજદીક જઈ રહ્યા હતા. જોકે તેઓ પહોંચે તે પહેલાજ અજાણ્યા ઈસમોએ ઝાયલો કાર ફુલસ્પીડમાં હંકારી મૂકી હતી. થોડા દિવસ પહેલાજ ગામમાં મોટી ચોરી થઈ હોવાથી ગ્રામજનો પણ સતર્ક બન્યા હતા. જેથી ગ્રામજનોએ તેઓનો પીછો કર્યો હતો. તે દરમિયાન સારણથી સાયખા માર્ગ પર ટર્નીગ નજીક ઝાયલો કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. તે દરમિયાન પીછો કરી રહેલા ગ્રામજનો પણ નજદીક આવી પહોંચ્યા હતા.પહાજ નજીક GRD જવાન ઉપર કાર ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો: પરંતુ ઝાયલો કારમાંથી પાંચ જેટલા ઈસમો નીચે ઉતર્યા હતા. જેથી ગ્રામજનો ભયભીત બની તેઓને પકડવાની હિંમત કરી ન હતી. ઝાયલો કારમાંથી ઉતરેલા ઈસમોએ કારને રોડ ઉપર ખસેડી ફરીથી કાર હંકારી મૂકી હતી. અને તેઓ કોઠીયા માર્ગ તરફ ભાગ્યા હતા. ગ્રામજનોએ હિંમત દાખવી સતત તેઓનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ વાગરા પોલીસને પણ જાણ કરી હતી. જેથી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ હતી. અને તાત્કાલિક દહેજ સહિત આસપાસના વિસ્તારોમા નાકાબંધી કરી હતી. ઝાયલો કાર ત્યાંથી વહિયાલ થઈ ઓછણ અને ત્યાંથી પહાજ માર્ગે પડી હતી. ગ્રામજનો સતત પીછો કરતા રહ્યા હતા. આ દરમિયાન પહાજ ગામ નજીક GRD જવાન ઉપર ગાડી ચઢાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે તેનો આબાદ બચાવ થયો હતો. અજાણ્યા ઈસમો પહાજથી રોજાટંકારીયા માર્ગે ફુલસ્પીડે કાર ભગાડી ફરાર થઇ ગયા હતા. ગ્રામજનોનું કહેવું છે, કે ઝાયલો કારમાં ૫ જેટલા ઈસમો હતા. જેમના પહેરવેશથી શીખ જ્ઞાતિના લાગતા હતા. અને કારમાં ડુક્કર પણ જોવાય હતા. જેથી ડુક્કર પકડવા આવતા લોકો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે પોલીસ વિસ્તારના તમામ CCTV ફૂટેજ ચકાસી રહી છે. અને શંકાસ્પદ કારની તપાસ કરી રહી છે.સારણ ગામમાં કોન્ટ્રાકટરના મકાનની બારી વાટે તસ્કરોએ પ્રવેશી ૧૦ લાખ રોકડા સહિત ૪૫ લાખનો હાથફેરો કર્યો હતો: વાગરા તાલુકાના સારણ ગામમાં કોન્ટ્રાકટરના મકાનમાંથી ૧૦ લાખ રોકડા સહિત ૪૫ લાખની મત્તાની ચોરીની ઘટના બની હતી. બનાવ જાણે એમ હતો કે, ગત ૩ જુલાઈની રાત્રીએ સારણ ગામમાં દરગાહ વાળા ફળિયામાં રહેતા ઝુલ્ફેકાર કાસમ રાજ રાત્રીના સમયે પાલેજ ખાતે આવેલી હોટલમાં જમવા માટે ગયાં હતાં. જ્યાં જમીને આવ્યાં બાદ તેઓ પોતાના રૂમમાં મોબાઇલ ફોન ચેક કરીને સૂઇ ગયાં હતાં. મળસ્કે ૪:૩૦ વાગ્યે તેઓ નાની બાળકીને દૂધ પીવડાવવા માટે જાગ્યાં હતાં. ત્યારે તેમના રૂમમાં રહેલું કબાટ ખુલ્લું જણાયું હતું. જેથી તેમણે તેમની પત્નીને જગાડી કબાટ કેમ બંધ કર્યું નથી તેમ પુછતા પત્નીએ રાત્રે કબાટ બંધ કર્યું હોવાનું જણાવતાં તેમણે તપાસ કરતાં ઘરમાં સામાન વેરવિખેર જણાયો હતો. કબાટમાં મુકેલાં રોકડા ૧૦ લાખ તથા સુટકેશમાં રાખેલાં ૩૫ તોલા સોનાના દાગીના પણ ગાયબ જણાયાં હતાં. બારી વાટે મકાનમાં પ્રવેશેલા તસ્કરોએ કુલ ૪૫ લાખની મત્તા ઉપર હાથફેરો કરી ફરાર થઇ ગયાં હોવાનું જણાયું હતું. તપાસ કરતા ઘરની બહારથી ખાલી સુટકેશ મળી આવી હતી.ચકચારી બંને ઘટનાઓ અંગે વાગરા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો: સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તબકકે ચોરીમાં જાણભેદુનો હાથ હોવાથી આશંકા સેવાઇ રહી છે. કોન્ટ્રાકટરના મકાનમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યાં છે. પણ તે બંધ હાલતમાં હોવાની વિગતો સામે આવી છે. જોકે પોલીસ ચોરોનું પગેરું શોધવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેમજ ગતરાત્રીના બનેલ બનાવ અંગે પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી છે. ઝાયલો કાર જે જે વિસ્તારમાંથી પસાર થઈ હતી. તે તમામ વિસ્તારના CCTV ફૂટેજની ચકાસણીમાં પોલીસ લાગી ગઈ છે. હવે જોવું એ રહ્યું કે તસ્કરો સુધી પહોંચવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *