ભરૂચ શહેરના “સી” ડિવિઝન પોલીસે કસક સર્કલ નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક રિક્ષા પકડી પાડી છે. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે એક રિક્ષામાં લગેજ બેગમાં વિદેશી દારૂ લઈને ભોલાવ બસ ડેપોથી દુબઈ ટેકરી તરફ જઈ રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે કસક સર્કલ પાસે કડક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ રિક્ષાને રોકીને તપાસ કરતા તેમાંથી બે બેગમાં વિદેશી દારૂની 50 બોટલ મળી આવી હતી. પોલીસે આ કેસમાં મોદી ફળિયામાં રહેતા રામ અવતાર ચુનનારામ ઉર્ફે રામ પ્રસાદ યાદવની ધરપકડ કરી છે. પોલીસે રૂ.35,000નો વિદેશી દારૂ, રૂ.80,000ની રિક્ષા અને રૂ.10,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો તેને દુબઈ ટેકરી વિસ્તારમાં રહેતા બુટલેગર નવીન વસાવાના માણસ પાસેથી મળ્યો હતો. તે આ દારૂ દુબઈ ટેકરી વિસ્તારમાં પહોંચાડવા જઈ રહ્યો હતો. પોલીસે હવે બુટલેગર નવીન વસાવાની શોધખોળ શરૂ કરી છે.