ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચેવલ ગામના વિદ્યાર્થીઓ અનિયમિત બસના કારણે હેરાન પરેશાન બન્યા છે. વિદ્યાર્થીઓએ ગત 11 તારીખે મૌલાના આઝાદ મેમોરિયલ હાઇસ્કુલ-વાગરા તેમજ ગ્રામ પંચાયત ચાંચવેલના લેટરહેડ ઉપર બસ સુવિધા પુનઃ સમયસર શરૂ કરવા બાબતે લેખિતમાં રજુઆત કરી હતી. તેમ છતાં પરિણામ નહીં મળતા આજરોજ ફરી વિદ્યાર્થીઓએ સર્વ સમાજ સેનાના જનરલ સેક્રેટરી અને જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર એવા ઈમ્તિયાઝ પટેલની આગેવાનીમાં ભરૂચ ડેપો મેનેજરને અભ્યાસ કરતા બાળકોને પડી રહેલા સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરી હતી.
આ વેળાએ અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેઓ દરરોજ ભણવા ચાંચવેલ ગામથી બહાર જતા હોય છે, પરંતુ સારા અને નિયમિત વાહન વ્યવસ્થાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે. અને શિક્ષણમાં વિક્ષેપ પણ ઉભો થયો છે. તેમણે માંગણી કરી છે કે, અનુરૂપ વાહન વ્યવસ્થા તાત્કાલિક પૂર પાડી આપવામાં આવે.
અને જો આગામી 7 દિવસમાં સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂખ હડતાળ અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે તેમ જણાવાયું હતું.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com