વીંછીયાદ દરગાહ પર યોજાયેલા ગાંડા બાવાના ઉર્સમાં કોલવણાથી નીકળેલા સંદલમાં હજારો અકીદતમંદો જોડાયા.:- વાગરા તાલુકાના વીંછીયાદ ગામમાં આવેલા હજરત મહંમદ સઈદ ઉર્ફે ગાંડા બાવાની દરગાહ ખાતે તેમનો પાંચમો ઉર્સ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉર્સમાં વીંછીયાદ, કોલવણા સહિત દૂર-દૂરથી આવેલા હજારો અકીદતમંદો અને સૈયદ સાદાતો ઉમટી પડ્યા હતા. વીંછીયાદ ગામના કબ્રસ્તાનમાં આવેલી આ દરગાહ પર ગાંડા બાવાની અનેક કરામતોથી તેમના ચાહકો સુપેરે વાકેફ છે. આ વર્ષે યોજાયેલા પાંચમા ઉર્સ શરીફ નિમિત્તે, કોલવણા ગામના મહંમદ ગડીમલના ખેતરમાંથી ભવ્ય સંદલ શરિફ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉર્સનું મુખ્ય આકર્ષણ ગાંડા બાવાના પીરો મુર્શદ હજરત હસનશાહ કાદરી ઉર્ફે બચુ બાવાના પૌત્ર સૈયદ આમીર બાવાની વિશેષ ઉપસ્થિતિ હતી. તેઓ કર્ણાટકના ગુલબર્ગ શરીફથી ખાસ પધાર્યા હતા અને તેમની સદારતમાં સંદલની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.
કર્ણાટકના ગુલબર્ગ શરીફથી પધારેલા સૈયદ આમીર બાવાની સદારતમાં ગાંડા બાવાના પાંચમા ઉર્સની ઉજવણી:- આ પ્રસંગે સૈયદ આમીર બાવાના દીકરાઓ જોન્ટીબાવા અને સોયબ બાવા, તેમજ ગાદી નશીન તોકીર બાવા, મુશિર બાવા, હુસેન બાવા, સમશાદબાવા અને કાદર બાવા સહિતના અનેક સૈયદ સાદાતોએ હાજરી આપી હતી, જેણે આયોજનની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ઉર્સના મોકા પર દિવસ દરમિયાન વડોદરાના નાસીરભાઈ તરફથી શ્રદ્ધાળુઓ માટે બટાકા-પુરીની ન્યાઝનું અવિરત વિતરણ કરવામાં આવ્યું હતું.

ગાંડા બાવાના ઉર્સમાં ન્યાઝ વિતરણ અને દુવાઓ માટે સેંકડો લોકો ઉમટ્યા.:- સાંજના સમયે પણ હાજર રહેલા તમામ અકીદતમંદ લોકોને ભાવપૂર્વક ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. ગાંડા બાવાને ચાહનારા સેંકડો લોકો દૂર દૂરથી આ ઉર્સ શરીફમાં ઉપસ્થિત રહી, દુવાઓ માંગી અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી, જે તેમની પ્રત્યેની અપાર શ્રદ્ધા અને આદરનું પ્રતિક હતું. આ ભવ્ય આયોજન દ્વારા ધાર્મિક સદ્ભાવના અને એકતાનો સંદેશ ફેલાયો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com