આણંદના બંધન પાર્ટી પ્લોટ ખાતે એક કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીને મળવા આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોને શરૂઆતમાં પોલીસે રોક્યા હતા, પરંતુ બાદમાં રાહુલ ગાંધીએ જાતે તેમને બોલાવી મુલાકાત કરી હતી. વડોદરામાં થયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર લગભગ ૧૦ જેટલા પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળીને ન્યાયની ગુહાર લગાવવા અને તેમનો અવાજ કેન્દ્ર સુધી પહોંચાડવા માટે આણંદ આવ્યા હતા.

તેઓ રાહુલ ગાંધી સાથે વાતચીત કરવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસે તેમને રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા હતા. પોલીસે સુરક્ષાના કારણો અને “વિઝિટિંગ કાર્ડ ન હોવા”નો હવાલો આપીને પરિવારોને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આને કારણે પીડિત પરિવારો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ વચ્ચે પોલીસ સાથે રકઝક થઈ હતી. કોંગ્રેસના કાર્યકરોએ પોલીસના આ વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે રાજકોટ આગ દુર્ઘટના અને મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સમયે પણ પીડિતોના પરિવારોને નેતાઓને મળતા અટકાવવામાં આવ્યા હતા અને આ ઘટના પણ તે જ પેટર્નનો ભાગ છે. કોંગ્રેસી કાર્યકરોએ દાવો કર્યો કે રાહુલ ગાંધી પાસે પોતાની સુરક્ષા હોવા છતાં, પોલીસ સુરક્ષાના નામે સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ બાદ ખુદ રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને મળવા માટે બોલાવ્યા હતા અને તેમની સાથે મુલાકાત કરીને તેમની વ્યથા સાંભળી હતી. આ મુલાકાત બાદ પીડિત પરિવારોને રાહત થઈ હતી કે તેમની વાત રાહુલ ગાંધી સુધી પહોંચી શકી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com