Geo Gujarat News

અંકલેશ્વર: પોલીસે મોટરસાયકલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી ૯ ગુના ઉકેલ્યા, લાખોનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જિલ્લામાં મોટરસાયકલ ચોરીના વધતા જતા બનાવોને અંકુશમાં લેવા માટે ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન અને જી.આઈ.ડી.સી. પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટરસાયકલ ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ૯ જેટલા મોટરસાયકલ ચોરીના ગુના ઉકેલી કાઢ્યા છે. અને કટીંગ કરેલા સ્પેરપાર્ટ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.યુ. ગડરીયાની સર્વેલન્સ ટીમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે બાતમી મેળવી હતી કે, બે શંકાસ્પદ ઈસમો ચોરી કરેલા મોટરસાયકલ સાથે અંસારમાર્કેટથી સર્વિસ રોડ થઈને અંકલેશ્વર તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વિવિધ સ્થળોએ વોચ ગોઠવી હતી.


વોચ દરમિયાન, અંસારમાર્કેટ તરફથી પીરામણ અંકલેશ્વર તરફ બાતમી મુજબના બે ઈસમો મોટરસાયકલ પર આવતા દેખાયા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા મોટરસાયકલ પર આગળ-પાછળ નંબર પ્લેટ મળી ન હતી. જ્યારે પોલીસે તેમની પૂછપરછ કરી ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. શંકા જતાં, પોલીસે પોકેટ કોપમાં મોટરસાયકલનો નંબર સર્ચ કરતા જાણવા મળ્યું કે ગાડીના માલિક સંજયકુમાર દલપતભાઈ, રહે. વાલનેર, તા. હાંસોટ, જિ. ભરૂચ છે. પોલીસે બન્ને ઇસમોની કડક પૂછપરછ કરતા તેઓએ કબૂલ્યું કે આ બાઇક તેઓ અને તેમના મિત્ર મુસ્તફા મણિહારએ હાંસોટ વિસ્તારમાંથી ચોરી કરી હતી. વધુ પૂછપરછમાં તેઓએ ભરૂચ જિલ્લાના હાંસોટ, પાનોલી, નવેઠા (ભરૂચ) અને સુરત જિલ્લાના કોસંબા ખાતેથી દસેક જેટલી અન્ય બાઈકો પણ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

ચોરી કરેલા મોટરસાયકલને તેઓ ગ્રાઇન્ડર અને અન્ય સાધનો વડે કટીંગ કરી તેના નાના ટુકડાઓ કરી સ્પેરપાર્ટસ તરીકે ભંગારમાં વેચી દેતા હતા. પોલીસે આરોપીઓના ઘરે અને મુદ્દામાલ વેચેલ સ્થળો પરથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઉસ્માન મોહમદ સઈદ મોહમદ જીકરી અને મોહમદ સલમાન અબ્દુલ કલામ અજમત અલી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ કેસમાં મુસ્તફા મનીહાર ઠાલ અને બિલાલ એહમદ શાહ નામના અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને પકડવા માટે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી ભરૂચ જિલ્લામાં મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *