Geo Gujarat News

દહેજ બ્લાસ્ટ: ‘આપ’ના યાકુબ ગુરજીએ કામદારો માટે ન્યાયની ગુહાર લગાવી, સલામતી ભંગ સામે લડત શરૂ

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ SEZ-1માં આવેલી શિવા ફાર્મા લિમિટેડ કંપનીમાં રાત્રીના સમયે રિએક્ટરમાં થયેલા ભયાનક બ્લાસ્ટથી બે યુવાન કામદારોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે એક કામદાર ગંભીર રીતે દાઝી જતાં તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના નિયમોના છડેચોક ઉલ્લંઘન અને કંપનીઓની “ઓછા સમયમાં વધુ નફો” રળવાની નીતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

શિવા ફાર્મામાં રિએક્ટર બ્લાસ્ટના બનાવમાં બે કામદારોના મોત :- પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં વાગરા તાલુકાના પાલડી ગામના પ્રવીણભાઈ મનસુખ પરમાર (ઉંમર 35 વર્ષ) અને મનાડ ગામના અર્જુનભાઈ પરબતભાઈ પટેલ (ઉંમર 30 વર્ષ) ના કરુણ મૃત્યુ થયા છે. બંને મૃતક યુવાનોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. જ્યારે ત્રાકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.


આ ઘટના દહેજ SEZ-1 વિસ્તારમાં ફરી એકવાર ઔદ્યોગિક સલામતીના મુદ્દે લાલબત્તી સમાન છે. ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સામે આવ્યા છે, જ્યાં કંપનીઓ દ્વારા સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો માની રહ્યા છે કે, કંપનીઓ દ્વારા ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે સુરક્ષાના ધોરણો સાથે સમાધાન કરવામાં આવે છે, જેના પરિણામે નિર્દોષ કામદારોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

‘આપ’ના યાકુબ ગુરજીએ પીડિતોને ન્યાય અપાવવા અને ઔદ્યોગિક સલામતી સુનિશ્ચિત કરવા બીડું ઝડપ્યું :-  આ દુર્ઘટના બાદ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ આ મામલે સક્રિય ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ પર રોક લગાવવા અને ભોગ બનનાર કામદારોના પરિવારજનોને પૂરતું વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક લોકોને જાગૃત કરવા પડશે. ગુરજીએ આવા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવા અને સુરક્ષા નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર પર દબાણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


‘આપ’ના યાકુબ ગુરજીએ કંપનીઓની બેદરકારી સામે અવાજ ઉઠાવ્યો :- આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સલામતીના નિયમોના કડક અમલીકરણની આવશ્યકતાને ઉજાગર કરી છે. શું તંત્ર આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરશે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે નક્કર પગલાં લેશે? તે જોવું રહ્યું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *