Geo Gujarat News

ઝઘડિયા: હરીપુરા નજીક કાર પલ્ટી ખાઈ જતાં ગમખ્વાર અકસ્માત, બે મહિલાઓના કરુણ મોત નિપજ્યા

ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક આજે સાંજના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે મહિલાઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાના પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાયો હતો, જેને પગલે ઉમલ્લા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક હ્યુન્ડાઇ i20 કાર રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જઈ રહી હતી. તે સમયે હરીપુરા અને સંજાલી પાટિયા વચ્ચે અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર ડિવાઇડર કૂદાવીને રોંગ સાઈડ પર પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પગલે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. આ અંગે ઉમલ્લા પોલીસને જાણ થતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થાને પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે અકસ્માત કઈ રીતે થયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. ડ્રાઈવરે કાબૂ શા માટે ગુમાવ્યો, કારની સ્પીડ કેટલી હતી અને અન્ય કોઈ ટેકનિકલ ખામી હતી, કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને વાહનચાલકોની સાવચેતીના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

કાદર ખત્રી, ઝઘડિયા

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *