Geo Gujarat News

વાગરા: સાયખા GIDCની શ્રી મહાદેવ ફાર્મામાં શ્રમિકની સુરક્ષા સાથે ચેડાં?, કેમિકલથી દાઝેલા યુવકનો કંપની પર ગંભીર આરોપ

શ્રી મહાદેવ ફાર્મામાં શ્રમિક સુરક્ષાનો સરેઆમ ભંગ, કેમિકલથી દાઝેલા યુવકનો ગંભીર આરોપ, તંત્રની તપાસ અનિવાર્ય :- વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસીમાં આવેલી શ્રી મહાદેવ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત ૨૨ જુલાઈ, ૨૦૨૫ના રોજ રાત્રિના સમયે સુડી ગામના એક શ્રમિકના જીવને જોખમમાં મૂકનારી ઘટના બની હતી. જેમાં સુડી ગામના દિવ્યેશ પરમાર નામના યુવકને કામ દરમિયાન હાથમાં કેમિકલ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના નિયમોના સરેઆમ ભંગ અને કામદારોની સુરક્ષા પ્રત્યે કંપનીની ઘોર બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે.

AOCP ને ફિટરનું કામ સોંપતા શ્રમિક દાઝ્યો, કંપનીની બેદરકારી ઉઘાડી પડી :- ઇજાગ્રસ્ત દિવ્યેશ પરમારના સનસનાટીભર્યા આક્ષેપો અનુસાર, તે ભલે AOCP નો હોય, પરંતુ તેને ફિટરનું જોખમી કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેણે સ્પષ્ટપણે જણાવ્યું કે કંપનીમાં સુરક્ષા માટેના પૂરતા સાધનો ઉપલબ્ધ નથી, અને રાત્રિના સમયે ફિટર ગેરહાજર હોવાથી તેને બળજબરીથી ફિટરનું કામ સોંપવામાં આવે છે. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, ઘટના બન્યા બાદ કંપની દ્વારા કોઈ તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી ન હતી. દિવ્યેશે પોતાના મિત્રોને ફોન કરીને બોલાવવા પડ્યા હતા. અને મિત્રોએ તેને ખાનગી વાહન મારફતે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. આ ઘટના કંપનીના કામદારો પ્રત્યેના સંવેદનહીન વલણની ચરમસીમા દર્શાવે છે.

સાયખાની શ્રી મહાદેવ ફાર્મામાં શ્રમિકને કેમિકલ લાગતા દાઝ્યો, કંપની પર ‘જે કરવું હોય તે કરો’નો ઉદ્ધત આક્ષેપ :- આજરોજ પંથકના બે અગ્રણી આગેવાનો ભોગ બનનાર યુવક સાથે ન્યાય અપાવવા કંપની ખાતે પહોંચ્યા હતા, પરંતુ તેમને પણ કડવો અનુભવ થયો હતો. યુવક અને આગેવાનોના આક્ષેપ મુજબ, કંપની મેનેજમેન્ટે તેમને “તમારે જે કરવું હોય તે કરી લો” કહીને જાણે કે કાયદા અને ન્યાયને પડકારી રહી હોય તેવો ઉદ્ધત જવાબ આપ્યો હતો. આ વલણ દર્શાવે છે કે કંપની સત્તાવાર રીતે તપાસ અને કાયદાકીય કાર્યવાહીથી ડરતી નથી. આ ભયાનક ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે જેનો જવાબ આપવો પણ અનિવાર્ય છે, જો આ ઇજા વધુ ગંભીર હોત અને યુવકનો જીવ જોખમમાં મુકાયો હોત તો તેની જવાબદારી કોની હોત? શું ખરેખર શ્રી મહાદેવ ફાર્મા જેવી કંપનીમાં કામદારોને સલામતીના સાધનો પૂરા પાડવામાં આવતા નથી?, જો કંપની દ્વારા કામદારોની સુરક્ષા સાથે આ પ્રકારે સરેઆમ સમાધાન કરવામાં આવતું હોય, તો તંત્ર દ્વારા કડકમાં કડક પગલાં શા માટે નથી લેવાતા? શું શ્રમ અને રોજગાર વિભાગ આવા ઔદ્યોગિક એકમો સામે મૌન સેવી રહ્યું છે? જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે.

સાયખાની શ્રી મહાદેવ ફાર્મામાં સલામતીના ધજાગરા, કેમિકલ અકસ્માત બાદ કંપનીની બેદરકારી ઉઘાડી પડી :- તો બીજી તરફ, આ સમગ્ર બનાવ અંગે શ્રી મહાદેવ ફાર્માના મેનેજર પંકજ પટેલે કંપનીનો બચાવ કરતા જણાવ્યું હતું કે, ઘટના બન્યા બાદ કંપની દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને સેફટી એન્ડ હેલ્થ વિભાગને પણ જાણ કરાઈ હતી. તેમણે એવો દાવો પણ કર્યો હતો, કે તેમની કંપનીમાં સલામતીના પૂરતા સાધનો ઉપલબ્ધ છે. અને ભોગ બનનાર યુવકે સલામતીના સાધનોનો ઉપયોગ કર્યો ન હતો. વધુમાં, તેમણે યુવકને કોઈપણ લાયકાત વિના માત્ર ભલામણથી નોકરીએ રાખ્યો હોવાનો અને તેને બે મહિનામાં અન્ય જગ્યાએ નોકરી શોધી લેવા પણ જણાવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મેનેજરના આ નિવેદનો ઇજાગ્રસ્ત યુવકના આક્ષેપોથી તદ્દન વિપરીત છે. અને શંકા ઊભી કરે છે.

શ્રી મહાદેવ ફાર્મામાં શ્રમિક દાઝ્યો, મેનેજમેન્ટની સંવેદનહીનતા પર સવાલો, શું તંત્ર જાગશે? :- આ સમગ્ર પ્રકરણમાં કંપનીના મેનેજર અને ઇજાગ્રસ્ત યુવકના પરસ્પર વિરોધાભાસી દાવાઓને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે. કામદારોની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને આ મામલે કોઈપણ બેદરકારી દાખવનાર સામે કાયદાનો દંડો ઉગામવામાં આવે તેવી સમયની પણ માંગ છે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ શ્રમિકનો જીવ જોખમમાં ન મુકાય. શું તંત્ર આ મામલે જાગશે કે પછી વધુ એક જીવ જોખમાવાની રાહ જોશે? તે હવે જોવું રહ્યું!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *