આમોદમાં યુરિયા સંકટ, પાક બચાવવા ખેડૂતોની હાકલ, કોંગ્રેસ સરકાર સામે મેદાને. : આમોદ તાલુકામાં ચોમાસાની મોસમ બરાબર જામી છે. ત્યારે ખેડૂતોને પાક વાવણી અને પોષણ માટે અત્યંત જરૂરી એવા યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર ખાતર ન મળવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અને તેમના પાક ઉત્પાદન પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ ગંભીર મુદ્દે આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. આમોદ પંથકમાં હાલ ખરીફ પાકોની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે અથવા તો વાવેતર બાદ પાકને યુરિયા ખાતર આપવાનો સમય પાકી ગયો છે. આવા સમયે બજારમાં યુરિયા ખાતરની ઉપલબ્ધતા ન હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ખેડૂતોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, યુરિયા ખાતર વગર પાકનો વિકાસ અટકી જશે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે. જો સમયસર ખાતર નહીં મળે તો અમારી આખી સિઝન બગડી જશે. આમોદના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેરથી ખાતર ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે, જે ખેડૂતોની કફોડી હાલતનો સ્પષ્ટ સંકેત આપે છે.

ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ, આમોદમાં કોંગ્રેસનું આક્રમક વલણ, તાત્કાલિક પુરવઠાની માંગ. : ખેડૂતોની આ સમસ્યાને વાચા આપવા આજરોજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ અને અન્ય અગ્રણી હોદ્દેદાર કેતન મકવાણા સહિતના પ્રતિનિધિ મંડળે આમોદ મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. મામલતદારને આપેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, આમોદ પંથકના ખેડૂતોને હાલ યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. પરંતુ તે ઉપલબ્ધ નથી. ખાતરની અછતને કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. અને તેમની મહેનત પાણીમાં જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. જેથી કોંગ્રેસ દ્વારા મામલતદારને અપીલ કરવામાં આવી છે કે, ખેડૂતો માટે યુરિયા ખાતર સમયસર ઉપલબ્ધ થાય અને તેઓ સારી ખેતી કરી શકે તે માટે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી તંત્ર દ્વારા વહેલી તકે ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પાક નુકસાનથી બચાવી શકાય. હાલ ખેડૂતોની નજર સરકારી તંત્ર પર છે, કે ક્યારે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય અને તેઓ હાશકારો અનુભવે. હવે જોવું એ રહ્યું કે, ખેડૂતોને ક્યારે ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે છે.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com