Geo Gujarat News

વાગરા: વિલાયત નજીકથી 15 ટનથી વધુ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ટેમ્પો ઝડપાયો, 8.63 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ભરૂચ જિલ્લાના દહેજ-ભરૂચ ફોરલેન રોડ પરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શંકાસ્પદ રીતે લોખંડના સળિયાનો જથ્થો લઈ જઈ રહેલા એક ટેમ્પોને ઝડપી પાડી, કુલ રૂ. 8.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ડ્રાઈવર પાસેથી મુદ્દામાલ અંગે કોઈ કાયદેસરના દસ્તાવેજો મળી આવ્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, SOG ભરૂચના પીઆઈ એ.એ. ચૌધરીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક આઈસર ટેમ્પો (નં. GJ-27-X-3812) દહેજ-ભરૂચ રોડ પર વેસદરા નજીકથી ભંગારના લોખંડના સળિયા ભરીને વિલાયત-વાગરા માર્ગે અમદાવાદ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ટેમ્પોમાંથી 15,450 કિલોગ્રામ વજનના લોખંડના સળિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટેમ્પોના ડ્રાઈવર રાજેન્દ્રસિંહ ભુરસિંહ ભાટી (ઉ.વ. 27), જે હાલ હંસપુરા, નાના ચીલોડા, અમદાવાદ ખાતે રહે છે અને મૂળ રાજસમંદ, રાજસ્થાનનો વતની છે, તેની પાસેથી આ લોખંડના સળિયાની ખરીદીના બિલ કે અન્ય કોઈ કાનૂની દસ્તાવેજોની માંગણી કરી હતી. જોકે, ડ્રાઈવર સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આથી, પોલીસે સમગ્ર માલને શંકાસ્પદ ગણીને BNSS કલમ 106 મુજબ કબજે કર્યો હતો અને ડ્રાઈવર રાજેન્દ્રસિંહ ભાટીને BNSS કલમ 35(1)(ઇ) હેઠળ અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જપ્ત કરેલા લોખંડના સળિયા અને ટેમ્પો સહિત કુલ રૂ. 8.63 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં આવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *