Geo Gujarat News

આમોદના ભ્રષ્ટાચારગ્રસ્ત માર્ગે સર્જ્યો મોતનો રસ્તો? તંત્રની બેદરકારી અને આડેધડ સમારકામથી પ્રજા ત્રસ્ત, કરોડોના ખર્ચે બનેલો માર્ગ પ્રજા માટે પરેશાનીનું ઘર બન્યો!


આમોદ નજીક નવ નિર્મિત માર્ગ પર કરોડો રૂપિયાનું આંધણ થયા બાદ તે માર્ગ હવે ભ્રષ્ટાચારનું પ્રતિક બની ગયો છે. આ માર્ગની નબળી ગુણવત્તાના કારણે તે અત્યંત જર્જરિત થઈ ગયો છે, જે તંત્રની બેદરકારી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનો ચોક્કસ પુરાવો આપે છે. આ માર્ગ પરના મસમોટા અને જીવલેણ ખાડાઓ અનેક ટુ-વ્હીલર ચાલકો માટે માથાનો દુખાવો બન્યા છે. મીડિયા અહેવાલો, વિપક્ષના વિરોધ અને લોકરોષ બાદ તંત્રએ દેખાવ ખાતર સમારકામ હાથ ધર્યું છે, પરંતુ આ કામગીરી પણ સંપૂર્ણપણે બેજવાબદાર અને આયોજન વગરની છે. જેનાથી પ્રજાની સુવિધા નહીં પણ દુવિધામાં વધારો છે.
આડેધડ સમારકામથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો : તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા સમારકામમાં રસ્તા પર માત્ર મોટા પથ્થરો છૂટાછવાયા પાથરી દેવામાં આવ્યા છે. આ પથ્થરો વાહનચાલકો માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યા છે. વાહનો પસાર થતાં આ પથ્થરો ઉડીને અન્ય વાહનો અને રાહદારીઓને વાગી રહ્યા છે. આ માર્ગની નજીક શાળા, મદ્રેસા અને આરોગ્ય કેન્દ્ર આવેલા હોવાથી બાળકો અને દર્દીઓની સલામતી પણ જોખમમાં મૂકાઈ ગઈ છે. ત્યથી પસાર થતાં કોઈ રાહદારીને પથ્થર છટકીને વાગે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? આ પ્રશ્ન સ્થાનિક લોકોના મનમાં ઘૂમી રહ્યો છે. આ આડેધડ કામગીરીના કારણે એક ટ્રકનું ટાયર પણ ફાટી ગયું હતું. જેના કારણે વાહન માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ ઘટના તંત્રની બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે.

ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન? : આ માર્ગના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં, તેની ગુણવત્તા અત્યંત નબળી છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર સૂચવે છે. પ્રજાના પૈસાનું આ રીતે ખુલ્લેઆમ દુર્વ્યવહાર થવા છતાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવી રહી. આનાથી એવું લાગે છે કે તંત્ર ભ્રષ્ટાચારને છાવરી રહ્યું છે.

સ્થાનિકોની અનેક ચિંતાઓ:

અકસ્માતનો ભય: રસ્તા પર પાથરેલા છૂટા પથ્થરો વાહનચાલકો માટે અત્યંત જોખમી છે. બાઈક ચાલકો માટે તો આ રસ્તા પરથી પસાર થવું લગભગ અશક્ય બન્યું છે.
બાળકોની સલામતી: આ માર્ગની નજીક શાળા, મદ્રેસા અને આરોગ્ય કેન્દ્ર આવેલા છે. જો કોઈ બાળકને ઊડતા પથ્થરથી ઈજા થાય તો તેની જવાબદારી કોની રહેશે?
વાહનચાલકોને નુકસાન: તાજેતરમાં એક ટ્રક ટેન્કરના ટાયર છૂટા પથ્થરોને કારણે ફાટી ગયા હતા, જેનાથી વાહન માલિકને મોટું આર્થિક નુકસાન થયું હતું.

લોકોની તંત્ર પાસે માગણી : સ્થાનિકોની મુખ્ય માગણી છે. કે તંત્ર ફક્ત દેખાડા પૂરતું નહીં, પરંતુ વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે. રસ્તા પર છૂટા પથ્થરો પાથરવાને બદલે યોગ્ય ડાયવર્ઝન આપીને વ્યવસ્થિત રીતે સમારકામ થાય. આ ઉપરાંત ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને પ્રજાના પૈસાનો દુરુપયોગ ન થાય. જો તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં ભરે તો પ્રજાના આક્રોશનો ભોગ બનવું પડશે. શું તંત્ર માત્ર મીડિયાના દબાણ હેઠળ આંખમાં ધૂળ નાખવા પૂરતું જ કામ કરશે કે પછી સમગ્ર રોડનું ગુણવત્તાયુક્ત સમારકામ કરીને ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા માટે નક્કર નીતિ બનાવશે? આ પ્રશ્ન આમોદના લોકોના મનમાં સતત ઘૂમી રહ્યો છે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *