Geo Gujarat News

વાગરા: સાયખા GIDC માં કેમિકલયુક્ત પાણીનો કહેર, ખેતરો બળ્યા, ખેડૂતોનું જીવન જોખમમાં!, જવાબદાર કોણ?

વાગરાના સાયખા GIDCમાં આવેલી કોમન ઈફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) લાઈનની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક ખેડૂતો, પર્યાવરણ અને જાહેર આરોગ્ય ગંભીર જોખમમાં મુકાયા છે. ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી CETP લાઈનમાં વારંવાર ભંગાણ થવાથી આસપાસના ખેતરોમાં ફેલાઈ રહ્યું છે, જેના કારણે જમીન બિનઉપજાઉ બની ગઈ છે. આ સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોને પાછલા ત્રણ વર્ષથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે અને તેમનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે.

ખેડૂતોની જમીન બની બિનઉપજાઉ, પાક ઉગતો બંધ : વાગરા તાલુકાના સાયખા ગામના ખેડૂતોની વ્યથા સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય તેવી છે. તેમણે જણાવ્યું કે સર્વે નંબર ૫૫૨ નજીકના અંદાજે ૬ ખેતરોમાં કેમિકલયુક્ત પાણીનો કાયમી ભરાવો રહે છે. ખેડૂત રાજુભાઈના પગમાં આ કેમિકલયુક્ત પાણી લાગવાથી બળતરા થવા લાગ્યા હતા, જેના કારણે તેઓ પોતાના ખેતરમાં જઈ શકતા નથી. આ ઉપરાંત, સીતાબેન રાઠોડ અને દિનેશભાઈ રાઠોડ જેવા અનેક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ છે. પરિણામે, ખેતરમાં કોઈ પણ પાક ઉગતો નથી, અને ખેતી પર નભતા પરિવારોની આવક બંધ થઈ ગઈ છે. આ સમસ્યાના કાયમી ઉકેલ અને નુકસાનીના યોગ્ય વળતરની માંગણી સાથે ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પર્યાવરણ અને જાહેર આરોગ્ય સામે મોટો ખતરો : આ કેમિકલયુક્ત પ્રદૂષણ માત્ર ખેડૂતોની જમીન પૂરતું સીમિત નથી. આ પાણી ભૂગર્ભ જળમાં ભળી રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા અને આરોગ્યને લગતી અનેક ગંભીર બીમારીઓનો ભય ઊભો થયો છે. ભૂતકાળમાં આ પ્રદૂષિત પાણીને કારણે પશુઓના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગના કામદારોમાં શ્વાસની તકલીફ, ચામડીના રોગો અને આંખોમાં બળતરા જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે. ચોમાસાની ઋતુમાં આ કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે ભળીને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી શકે છે, જેનાથી નુકસાન અને રોગચાળો ફેલાવાની સંભાવના વધી જાય છે.

તંત્રની બેદરકારી અને લાંબી પ્રક્રિયા : આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને ૨૦૧૯થી અત્યાર સુધી અનેક વખત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે અને હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કર્યો છે. તેમ છતાં, તંત્રની નિષ્ક્રિયતા અને લાંબી પ્રક્રિયાને કારણે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. GPCB અને GIDC જેવા સંબંધિત વિભાગોએ આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપી CETP લાઈનના ભંગાણની સઘન તપાસ કરવી જોઈએ અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

ખેડૂતોની માંગ મુજબ, અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર આપવામાં આવે તે જરૂરી છે. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો સમગ્ર વિસ્તારને ગંભીર અને લાંબાગાળાના પરિણામો ભોગવવા પડી શકે છે. શું તંત્ર ખેડૂતોના હિતમાં અને પર્યાવરણની સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને સંતોષ માનશે, તે જોવું રહ્યું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *