ધર્મ અને એકતાનો સંગમ! પ્રગટેશ્વરથી સ્તંભેશ્વર સુધી પ્રથમ ‘સમરસ કાવડ યાત્રા’નું ભવ્ય આયોજન : ધર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચતા ભરૂચ જિલ્લામાં આગામી ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ એક ઐતિહાસિક ઘટના આકાર લેવા જઈ રહી છે. પ્રથમ વખત અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના-ગુજરાત દ્વારા એક ભવ્ય ‘સમરસ કાવડ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો પણ છે.
૧૦ ઓગસ્ટે ભરૂચમાં પ્રગટેશ્વરથી સ્તંભેશ્વર સુધી શિવભક્તોનો મહાસાગર ઉમટશે.: આ ભવ્ય યાત્રાનો પ્રારંભ ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે, જ્યાંથી શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તિમય વાતાવરણમાં ૧૦૮ કાવડિયાઓની ટીમ પ્રસ્થાન કરશે. આ યાત્રા કાવી કંબોઈના દરિયા કિનારે આવેલા સુપ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે. ત્યાં પવિત્ર નર્મદા નદીના જળથી ભગવાન મહાદેવનો જળાભિષેક કરીને ભક્તો પોતાની શ્રદ્ધા પ્રગટ કરશે.
આગામી શ્રાવણમાં ઐતિહાસિક ‘કાવડ યાત્રા’નું આયોજન, હિન્દુ ધર્મ સેના દ્વારા પહેલ. : આ બે દિવસીય યાત્રા દરમિયાન ભક્તોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ સેનાના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયાએ જણાવ્યું કે, “યાત્રા માર્ગમાં ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ૨૫ સ્વયંસેવકોની એક ટીમ સતત સેવાકાર્યમાં તૈનાત રહેશે. આ ઉપરાંત, કોઈ પણ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આધ્યાત્મિક આનંદ અને સામાજિક સંદેશ : પ્રયાગસિંહ વાસિયાએ વધુમાં ઉમેર્યું કે, “આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોમાં આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ, અને શાંતિ તથા એકતાનો સંદેશ પ્રસારિત કરવાનો છે. અમે ભરૂચ જિલ્લા અને આસપાસના વિસ્તારોના તમામ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને આ ઐતિહાસિક યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા આહ્વાન કરીએ છીએ. આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ સુધીરસિંહ અટોદરિયા, ઝીણા ભરવાડ, વિરલ ગોહિલ, જીતુ રાણા અને રાહુલ વસાવા પણ ઉપસ્થિત રહીને આયોજનની વિગતો જણાવી હતી. આ યાત્રા ભરૂચના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસામાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com