Geo Gujarat News

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો, સામાજિક કાર્યકરની સમયસૂચકતાથી જીવ બચ્યો, નેટ’ લગાવવાની માગ ઉઠી, તંત્ર નિષ્ક્રિય.

આજરોજ સવારે લગભગ ૧૧ વાગ્યાના સુમારે ભરૂચના સુપ્રસિદ્ધ નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ નદીમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, રાહદારીઓની સતર્કતા અને સ્થાનિક સામાજિક કાર્યકરની સમયસૂચકતાને કારણે આ યુવતીનો જીવ બચી ગયો હતો. યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પુલ પરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી. જોકે સદનસીબે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ આ ઘટના જોઈ લીધી અને તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો.

ધર્મેશ સોલંકીએ તુરંત જ સ્થાનિક નાવિકોનો સંપર્ક સાધ્યો અને તેમને નદીમાં યુવતીને બચાવવા માટે મોકલ્યા હતા. નાવિકો સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા અને નદીમાં તરી રહેલી યુવતીને બચાવી લીધી હતી. જોકે, બોટમાં ચડાવ્યા બાદ યુવતીએ ફરીથી પાણીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નાવિકોએ ફરીથી તેને બચાવી લીધી હતી. બાદમા યુવતીને કિનારે લાવવામાં આવી હતી. અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવતીને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

આ ઘટના બાદ ફરી એકવાર નર્મદા મૈયા બ્રિજ પર સુરક્ષાના પ્રશ્નો ઉઠ્યા છે. પુલ પરથી આપઘાતના પ્રયાસોનો સિલસિલો યથાવત છે. ત્યારે લોકો તંત્રને બ્રિજ પર સુરક્ષા જાળી (નેટ) લગાવવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તંત્ર હજુ કેટલા જીવ જવાની રાહ જોશે?

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *