આજના આ ડિજિટલ યુગમાં જ્યાં ટેકનોલોજીએ જીવન સરળ બનાવ્યું છે, ત્યાં તેનો દુરુપયોગ મહિલાઓ માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકરો સાથે બનેલી એક ઘટના આ જ વાસ્તવિકતા દર્શાવે છે. અહીં અંદાજિત ૩૫થી વધુ આંગણવાડીની બહેનો એક અજાણ્યા વ્યક્તિના ન્યૂડ વીડિયો કોલથી ત્રસ્ત છે, જેના કારણે તેમનામાં ભય અને આક્રોશનો માહોલ છે. આ મામલે પીડિત બહેનોએ આજે ભરૂચ સાયબર સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે અને આરોપીને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સરકારી સીમ કાર્ડ પર હેરાનગતિથી મહિલાઓ પરેશાન : આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે, આંગણવાડીની બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા આઇસીડીએસના સીમ કાર્ડ પર આ વીડિયો કોલ આવી રહ્યા છે. ભરૂચ તાલુકા, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા તાલુકાની બહેનોને એક જ મોબાઈલ નંબર પરથી સતત ન્યૂડ કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે. એક જ વ્યક્તિ દ્વારા આ પ્રકારની માનસિક વિકૃતિભરી હરકતથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
બહેનોની વ્યક્તિગત જીવનમાં પણ મુશ્કેલી ઉદ્ભબી : આ માનસિક વિકૃત વ્યક્તિ સવાર, બપોર કે રાત્રિના સમયે ગમે ત્યારે વીડિયો કોલ કરે છે. અને અશ્લીલ હરકતો કરે છે. આ પ્રકારના કોલથી માત્ર આંગણવાડીની બહેનો જ નહીં પરંતુ તેમના પરિવારજનો પણ પરેશાન છે. આ કોલના કારણે કેટલાક પરિવારોમાં ઝઘડાનું કારણ પણ બન્યું છે, જેના લીધે બહેનોની મુશ્કેલીઓ વધી છે. આ ઘટનાએ મહિલાઓની સલામતી અને ગોપનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
સાયબર સેલ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી : આખરે, આ ત્રાસથી કંટાળીને આંગણવાડીની બહેનોએ એકજૂથ થઈને ન્યાય મેળવવાનું નક્કી કર્યું અને ભરૂચ જિલ્લા પ્રમુખ રાગિણી પરમારની આગેવાની હેઠળ પીડિત બહેનોએ ભરૂચ કાળી તલાવડી ખાતે આવેલા સાયબર સેલમાં ફરિયાદ આપી છે.
અને તેમણે પોલીસને તાત્કાલિક આરોપીને શોધી કાઢવા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, સાયબર ક્રાઈમ માત્ર શહેરો સુધી સીમિત નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ તેનો વ્યાપ વધી રહ્યો છે. પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લીધી છે અને આશા છે કે મોબાઈલ નંબરના આધારે આરોપીને ઝડપી પાડી શકાશે. આ સમગ્ર મામલે આંગણવાડીની બહેનો ન્યાયની આશા સાથે પોલીસની કાર્યવાહીની રાહ જોઈ રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com