Geo Gujarat News

વાગરા તાલુકાના ચાંચવેલ-મુલેર બ્રિજ પર જોખમી અવરજવર, તંત્ર કોઈ દુર્ઘટનાની રાહમાં?

વાગરા તાલુકાના ચાંચવેલ અને મુલેર ગામને જોડતા માર્ગ પર આવેલો એક મહત્વપૂર્ણ બ્રિજ હાલમાં ભારે વાહનોની અવરજવર માટે જોખમી બની રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બ્રિજનું નવીનીકરણ ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ તેની નીચે માત્ર લોખંડના પિલરનો ટેકો આપીને જ વાહનોને પસાર થવા દેવામાં આવી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રોડ દહેજ અને ગંધાર ઔદ્યોગિક વિસ્તારને જોડતો હોવાથી દિવસ-રાત અહીંથી ભારે વાહનો, જેમ કે મશીનરી, અન્ય સામાન અને મીઠાથી ભરેલા ટ્રકોની અવરજવર ચાલુ રહે છે. જૂના બ્રિજ પરથી સતત આવા ભારે વાહનો પસાર થતા હોવા છતાં, તેના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.

બ્રિજ તૂટી ન પડે તે માટે તંત્ર અથવા કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજની નીચે લોખંડની એંગલો (ટેકા) મૂકવામાં આવી છે. જોકે, આ બાબતની વાહનચાલકોને કોઈ જાણ નથી. વાહનચાલકો બેફિકર બનીને આ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જ્યારે નીચે રાખેલા આ ટેકા ગમે ત્યારે જોખમ ઊભું કરી શકે છે. સ્થાનિકો અને વાહનચાલકોમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે: શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની ગણાશે? આ પરિસ્થિતિ તંત્રની બેદરકારી દર્શાવે છે અને તાત્કાલિક ધોરણે આ બ્રિજ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરીને નવીનીકરણનું કામ ઝડપી પૂરું કરવું જરૂરી છે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *