Geo Gujarat News

આમોદ: નગરપાલિકાના ભાજપના જ આગેવાને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી, ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી ખળભળાટ!

આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે એક નવો વિવાદ સામે આવ્યો છે. ભાજપના જ આગેવાન અને નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ બાકી પેમેન્ટની ચુકવણી ન થતાં 15મી ઓગસ્ટના રોજ નગરપાલિકા કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મૈલેશ મોદીએ આક્ષેપ કર્યો છે, કે નગરપાલિકાના પ્રમુખથી માંડીને પદાધિકારીઓ અને અધિકારીઓ પેમેન્ટ પાસ કરવા માટે ખુલ્લેઆમ ટકાવારીની માંગણી કરી રહ્યા છે. તેમના મતે, 31-10-2023 થી 31-10-2024 દરમિયાન થયેલા સ્વભંડોળના વિકાસ કામોના કુલ 14.20 લાખનું પેમેન્ટ છેલ્લા આઠ મહિનાથી અટકાવી રાખવામાં આવ્યું છે.

આ કોન્ટ્રાક્ટરના જણાવ્યા મુજબ, ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશનની માંગણી કરી રહ્યા છે. આ આક્ષેપોએ નગરપાલિકાના વહીવટ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે કોન્ટ્રાક્ટરે સ્પષ્ટ જણાવ્યું છે, કે આ ટકાવારીનો રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી કરવામાં આવ્યો છે. અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. આ પ્રકારની કથિત વ્યવસ્થા ભ્રષ્ટાચારની સિસ્ટમનું જીવતું ઉદાહરણ પૂરું પાડે છે.

તો બીજી તરફ, આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે કોન્ટ્રાક્ટરના આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાને કારણે સ્વભંડોળનો અભાવ છે. આ કારણે કર્મચારીઓના પગાર અને પી.એફ. જેવી ચૂકવણી કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. પ્રમુખના જણાવ્યા મુજબ, સ્વભંડોળ ઉપલબ્ધ થયા બાદ કોન્ટ્રાક્ટરને તેનું બાકી પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે. જોકે, આ બચાવ છતાં સવાલ એ ઊભો થાય છે કે જો નગરપાલિકા પાસે પૈસા જ ન હોય તો કામો માટે ટેન્ડર શા માટે બહાર પાડવામાં આવે છે? અને જો આક્ષેપો સાચા હોય તો ટકાવારીની માંગણી પાછળનું કારણ શું છે? આ મામલો હવે આત્મવિલોપનની ચીમકી સુધી પહોંચતા વહીવટી તંત્રમાં હડકંપ મચી ગયો છે અને આ મામલે સરકાર શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *