આમોદ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નંબર 4માં ઉભરાતી ગટરોએ સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. પ્રમુખ અને ઉપપ્રમુખના વોર્ડમાં જ આવી દયનીય સ્થિતિ સર્જાતાં ભાજપની શાસન વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આમોદ નગરપાલિકા જેને કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી છે. તે લાઈટ, પાણી, રસ્તા અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં તદ્દન નિષ્ફળ રહી છે. વોર્ડ નંબર 4માં માછલી બજારના મુખ્ય દ્વાર પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે દુકાનદારો, રાહદારીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તીવ્ર હાલાકી ભોગવી રહ્યા છે.
આ જ રસ્તા પર મંદિર, મસ્જિદ અને શાળાઓ પણ આવેલી હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિક દુકાનદારોમાં રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે, કારણ કે ઉભરાતી ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર ફેલાઈ રહ્યું છે. આ મામલે અગાઉ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા માત્ર ઉપરછલ્લી સફાઈ કરીને કામ પૂરું કરી દેવામાં આવ્યું હતું, જેના પરિણામે થોડા જ દિવસોમાં ગટર ફરીથી ઉભરાવા લાગી હતી.
આ સમસ્યા એટલી વિકરાળ બની છે કે, વિપક્ષના નેતા ઉમેશ પંડ્યાએ પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ “જાડી ચામડીવાળા” તંત્રના પેટનું પાણી હજુ હલ્યું નથી. ભાજપ માટે હવે પોતાના જ ગઢમાં મત માંગવા જવું મુશ્કેલ બન્યું છે. કરોડોના વિકાસ ભંડોળ હોવા છતાં, આમોદના લોકોને ગંદકી અને રોગચાળાના ભય વચ્ચે જીવવું પડી રહ્યું છે, જે શાસકોની નિષ્ક્રિયતાનો સ્પષ્ટ પુરાવો છે. શું આમોદના લોકોની સમસ્યાઓનો ઉકેલ આવશે કે પછી ગંદકી વચ્ચે જ તેમનું જીવન વીતશે? તે આવનારો સમય જ કહેશે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com