વાગરા તાલુકામાં આવેલા ચાંચવેલ અને મુલેર ગામને જોડતો અત્યંત મહત્વનો પુલ હાલ ગંભીર ખતરામાં છે. દહેજ અને ગંધાર જેવા મોટા ઔદ્યોગિક ઝોનને જોડતા આ પુલની દયનીય હાલતને કારણે તેને સ્થાનિક લોકો દ્વારા ‘મૃત્યુ બ્રિજ’ તરીકે ઓળખવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે, કે પુલ તૂટી ન પડે તે માટે નીચે લોખંડના સળિયા અને એંગલોનો ટેકો આપવામાં આવ્યો છે.
છતાં પુલ પરથી રાત-દિવસ 40 થી 50 ટન વજનના ટ્રકો બેરોકટોક પસાર થઈ રહ્યા છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સરકારી નિયમ મુજબ આ પુલ પરથી 20 ટનથી વધુ વજનના વાહનોને પસાર થવા દેવાના નથી. તેથીજ સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. પરંતુ આ નિયમ માત્ર કાગળ પર અને બોર્ડ સીમિતજ રહી ગયો છે. હજારો મીઠાના ટ્રકો સહિત અન્ય ભારે વાહનોના બેફામ ટ્રાફિકને કારણે પુલની હાલત વધુ ખરાબ થઈ રહી છે. જેથી વાહન ચાલકોએ પણ પોતે સજાગ થવું પડશે. અને હાલાતની ગંભીરતાને પારખી ઓવરલોડ વાહન ચાલકો પોતે જ આ પુલનો ઉપયોગ ન કરે તે વધુ હિતાવહ છે.
વધુમાં સ્થાનિકોની ચિંતાને ધ્યાનમાં રાખીને ચાંચવેલ ગામના સરપંચે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. અને મીડિયાને જણાવ્યું હતું કે પુલ ખરેખર ખૂબ જ જર્જરિત હાલતમાં છે. જોકે, તેની બાજુમાં એક નવા પુલનું બાંધકામ ચાલી રહ્યું છે, જે હાલ ચોમાસાને કારણે બંધ છે. સરપંચે તંત્રને કડક કાર્યવાહી કરવા માટે તાકીદ કરી છે. અને જ્યાં સુધી નવો પુલ તૈયાર ન થાય ત્યાં સુધી જૂના બ્રિજ પર 20 ટનથી વધુ વજન ધરાવતા વાહનોના પ્રવેશ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
તેમણે સૂચન કર્યું છે કે આ માટે પુલની બંને તરફ એંગલ લગાવીને યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવે અને ભારદારી વાહનોને અટકાવવા માટે પોલીસ તહેનાત કરવામાં આવે જેથી ભારદારી વાહનોને પ્રવેશતા રોકી શકાય. કારણ કે જો આ બ્રિજ તૂટી પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તો તેની જવાબદારી કોણ લેશે તે એક મોટો પ્રશ્ન છે. આ મુદ્દે તાત્કાલિક અને ગંભીર પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com