કુદરત અને સરકારી તંત્ર બંનેની બેદરકારીનો ભોગ બનતા ખેડૂતોની વેદના કહો કે વ્યથા, આ બધું જ અત્યારે ભરૂચના આમોદ તાલુકાના જુના દાદાપોર ગામમાં જોવા મળી રહ્યું છે. એક તરફ વરસાદે મોં ફેરવી લીધું છે, અને બીજી તરફ જીઈબી તંત્રની ઘોર બેદરકારીથી ખેડૂતોના હાથમાંથી ઊભો પાક છીનવાઈ રહ્યો છે. ખેડૂતોની રજૂઆતો અને ફરિયાદો તંત્રના બહેરા કાને અથડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વર્ષભરની મહેનત અને મૂડી રોકીને ખેડૂતોએ મરચી, કપાસ, તુવેર, રીંગણ અને ચોળી જેવા પાકો વાવ્યા હતા. પાક તૈયાર થવાની અણી પર હતો ત્યારે જ વીજળીની કટોકટી સર્જાઈ છે. પૂરતું પાણી ન મળતા મરચીના પાકમાંથી નાના-નાના મરચાં અને પાંદડા ખરી રહ્યા છે. અન્ય પાકોની હાલત પણ કંઈ જુદી નથી. ખેડૂતોના સપના અને આશાઓ ખેતરમાં જ સુકાઈ રહ્યા છે.
ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે આમોદ જીઈબીની બેદરકારી આ નુકસાન માટે જવાબદાર છે. તેઓ કહે છે કે, દિવસમાં માંડ અડધોથી એક કલાક વીજળી મળે છે અને પછી બે-ત્રણ દિવસ સુધી વીજળીનો પાવર જ હોતો નથી. ફરિયાદ કરવા જઈએ તો તંત્ર કહે છે કે, “લાઈન તમારે જાતે જ બનાવી પડશે!” મોટાભાગના ખેડૂતોની લાઈનો અત્યારે પણ બંધ હાલતમાં છે. ખેડૂતોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આમોદ જીઈબી તંત્ર વહેલી તકે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને વીજળીની આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે, તો ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડશે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાઈ જશે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે સરકારી તંત્ર આ બાબતે ગંભીરતાથી વિચારણા કરે અને ખેડૂતોને મદદરૂપ થાય.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com